અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા પાસે ટ્રાફિકની સમસ્યાનું કારણ બનેલા જામ્બુવા અને બામણગામ બ્રિજ પણ જોખમી
વડોદરાઃ અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા પાસે વારંવાર ૧૦ થી ૧૫ કિમી સુધી ટ્રાફિક જામ માટે કારણરૃપ બનેલા બે બ્રિજ પણ જોખમી અવસ્થામાં હોવાથી તંત્રએ ગંભીર નોંધ લેવી પડે તેવી નોબત આવી છે.
વડોદરા થી કરજણ જતાં જામ્બુવા બ્રિજ સાંકડો અને જર્જરિત અવસ્થામાં છે.જ્યારે, પોર પછી બામણગામનો સાંકડો બ્રિજ પણ આવી જ સ્થિતિમાં છે.પરિણામે આ બંને બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી લોકોમાં દહેશત છે.
થોડા સમય પહેલાં બામણગામ બ્રિજ પર ભૂવો પડતાં નીચે નદી જોઇ શકાતી હતી. જેથી ટુવ્હીલરના ચાલકો માટે વધુ જોખમ સર્જાયું હતું.જ્યારે,ટ્રાફિકની સમસ્યા પણ વધુ જટિલ થઇ હતી.
નોંધનીય છે કે,ઉપરોક્ત સાંકડા બ્રિજને કારણે આસપાસના ગ્રામજનો પણ પરેશાન થઇ ગયા છે અને તેમણે બહારના વાહનો ગામમાંથી પસાર ના થાય તે માટે આડાશો પણ મૂકી દીધી છે.