Get The App

બાલાસિનોરની 54 વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે, અડધા કારખાના બંધ થવાને આરે

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
બાલાસિનોરની 54 વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે, અડધા કારખાના બંધ થવાને આરે 1 - image

- બિસ્માર માર્ગો, ડ્રેનેજ લાઇન નથી, 5 વર્ષથી સ્ટ્રીટ લાઇટ બંધ

- મિનરલ અને કેમિકલના ઉદ્યોગોની સાથે લાકડાં અને લોઢાના કારખાના ચલાવતા ઉદ્યોગકારોની કફોડી દશા

બાલાસિનોર : મહિસાગરના તાલુકા મથક બાલાસિનોરની ૫૪ વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. અહીં ઉદ્યોગકારોને એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિણામે અડધા કારખાના બંધ થઇ જાય તેવી હાલત છે. ઉદ્યોગકારો દ્વારા જીઆઇડીસી તંત્ર અને સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.  

બાલાસિનોરમાં વર્ષ ૧૯૭૧માં જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ૬૦ જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા છે. હાલ અહીં ૬૦થી ૬૫ જેટલા નાના-મોટા એકમો ચાલી રહ્યાં છે. જેમાં મિનરલ એટલે કે પથ્થર, કેમિકલ, લાકડા અને લોખંડના કારખાનાનો સમાવેશ થાય છે. આશરે ૫૦૦-૬૦૦ જેટલા સ્થાનિક લોકોને અહીં રોજગારી મળે છે. જીઆઇડીસીને આગળ વધારીને બાલાસિનોરનો વિકાસ કરવાના બદલે આજ સુધીમાં જીઆઇડીસી તંત્ર કે સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. જીઆઇડીસીના રસ્તા અતિશય બિસ્માર બની ગયા છે, જેના પર વાહન ચાલાવવા મુશ્કેલ છે, ડ્રેનેજ લાઇનનું નેટવર્ક નથી, પાંચેક વર્ષથી અહીંની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે રસ્તા ઉપર અંધારપટ છવાઇ જાય છે, સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. સરકારના વેરા અને ફીનો ચાર્જ વધતો જ જાય છે, તેની સામે સુવિધા મળતી નથી. ૫રિણામે કંટાળીને ઉદ્યોગકારો ધંધા-રોજગાર બંધ કરવા માંડયા છે. જીઆઇડીસીમાં હાલ ૨૫થી ૩૦ કારખાના બંધ થવાને આરે છે. ૧૦ કારખાના તો સાવ બંધ જ થઇ ગયા છે. જીઆઇડીસીની આવી જ હાલત રહી તો આગામી દિવસોમાં બધા ઉદ્યોગો બંધ થઇ જાય તેમ છે, તેવું જીઆઈડી વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા જણાવાયું હતું. 

જીઆઇડીસીની કોઇ ઓફિસ નથી, આણંદ સુધીના ધક્કા

બાલાસિનોર જીઆઇડીસી અસ્તિત્વમાં આવ્યાને સાડા પાંચ દસકાનો સમય થઇ ગયો છે. પરંતુ આજ સુધીમાં અહીં જીઆઇડીસીની કોઇ ઓફિસ જ નથી. ઓફિસ બનાવવા માટે પ્લોટ ફાળવાયેલો છે. જે અવાવરૂ હાલતમાં ખાલી પડયો છે. કારખાનેદારોએ કોઇ પણ કામગીરી માટે આણંદ હેડ ઓફિસ સુધી ધક્કા ખાવા પડે છે.

બિસ્માર રસ્તા મુદ્દે બે વર્ષથી રજૂઆતો કરી છે : જીઆઇડીસી ઉદ્યોગકારોના અસો. પ્રમુખ

બાલાસિનોર જીઆઇડીસી ઉદ્યોગકારોના અસોસિએશનના પ્રમુખ રેહાનભાઇએ જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તા બાબતે બે વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા પણ આ અંગે હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં રસ્તાનું કામ હાથ પર લેવામાં આવશે. બાલાસિનોર જીઆઇડીસીને ટકાવી રાખવા માટે સરકાર, જીઆઇડીસી તંત્ર અને પાલિકા તંત્ર વેરાઓ સહિતની બાબતોમાં રાહત આપે, તેવી માંગ કરવામાં આવી છે.