- 11 સભ્યો માટે 30 ફોર્મ ભરાયા, 27 મીએ મતદાન
- 517 સભાસદો મતદાન કરશે, કોમી એકતાના પ્રતિક સમાન સંસ્થામાં હાલ સુધી સર્વાનુમતે સભ્યો નિમાતા હતા
બાલાસિનોર : બાલાસિનોરમાં ૬૩ વર્ષથી કાર્યરત હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન સહકારી સંસ્થા બાલાસિનોર જનતા કન્ઝ્યુમર કૉ. ઓ. સ્ટોર લી.માં પ્રથમ વખત જ ચૂંટણી થવા જઇ રહી છે. અત્યાર સુધી આ સંસ્થાના ૧૧ ડિરેક્ટર એટલે કે સભ્યોની સર્વાનુમતે વરણી કરાતી હતી. પરંતુ હવે બે જૂથ પડી જતા ચૂંટણી પ્રક્રિયા યોજવાની નોબત આવી છે.
બાલાસિનોરની સહકારી સંસ્થા જનતા કન્ઝ્યુમર કૉ. ઓ. સ્ટોર લી.ના કુલ ૫૧૭ સભાસદો છે. જે આગામી તા.૨૭ જાન્યુઆરીના રોજ થનારી ચૂંટણીમાં મતદાન કરશે. સંસ્થાના કુલ ૧૧ સભ્યોમાં ૧૦ પુરૂષ અને ૧ મહિલા હોય છે. જ્યારે ૧૦ મુસ્લિમ સભ્યો તથા ૧ હિન્દુ સભ્ય રાખવામાં આવે છે. આ સંસ્થા બાલાસિનોરમાં સસ્તા અનાજની બે દુકાનોનું સંચાલન કરે છે. જેના હેઠળ ૨,૫૦૦ જેટલા રેશનકાર્ડ છે. જ્યારે ખાતરની બે દુકાન છે. જ્યાંથી તાલુકાભરના ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર પુરૂ પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન સંસ્થાનું કુલ ટર્નઓવર અઢી કરોડ રૂપિયા જેટલું થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ સંસ્થામાં ક્યારેય ચૂંટણી યોજાઇ નથી. સર્વાનુમતે બધા નક્કી કરે તે ૧૧ ડિરેક્ટરો સંચાલન કરતા હતા. પરંતુ આ વખતે બે જૂથ પડી જતા કુલ ૩૦ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૩૦ ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ ૨૧ જાન્યુઆરી છે. ત્યાર બાદ ૨૭ જાન્યુઆરીએ મતદાન અને તે દિવસે જ પરિણામ પણ જાહેર થઇ જશે. ચૂંટણી અધિકારી સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તેવું આયોજન કરાયું છે.


