Gujarat

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં

By GS TEAM
23 Apr 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જામીનનો ભંગ કરનાર ત્રિપુટિ ઝડપાઈ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ ફરી કસ્ટડીમાં

Jamnagar Police : જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા સતત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા કલમ 118(2), 117(2), 190, 191(2), 191(3), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબના ગુનામાં આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. પરંતુ જામીનની શરતોનો ભંગ કરીને તેઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક  નીર્લીપ્ત રાય, રાજકોટ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન.ઝાલાના સુચન મુજબ વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર ના સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.

તપાસ દરમ્યાન બહાર આવ્યું કે આરોપી હાર્દિક ઉર્ફે પાણી રાજેશભાઈ મકવાણા, ભાવીન રોહિતભાઈ પટણી અને રાહુલ અશોકભાઈ રાઠોડે જામીનની શરતોનો ભંગ કરી તા.25/02/2026ના રોજ ભોલેનાથ ડિસગોલા નજીક તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ફરીયાદીને ધમકી આપી ગાળો બોલી હતી. આ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવા ગુનાની નોંધણી થતાં કોર્ટમાં જામીન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને સત્ર ન્યાયાલય દ્વારા આરોપીઓને કસ્ટડીમાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમના અનુસંધાને સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઈ. તથા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, અને હાલ તેઓને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ પૈકી હાર્દિક ઉર્ફે પાણી રાજેશભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ચોરી, મારામારી, હત્યાનો ગુનો, ગુનાહિત સાજિશ તેમજ પ્રોહિબિશન સંબંધિત અનેક કેસોનો સમાવેશ થાય છે. ભાવીન રોહિતભાઈ પટણી વિરુદ્ધ પણ હત્યાનો ગુનો, મારામારી તેમજ ગેંગ સાથેના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે રાહુલ અશોકભાઈ રાઠોડ વિરુદ્ધ પણ અગાઉથી ગુનાહિત પ્રવૃત્તિઓના કેસો નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં લેતા તેઓ વિસ્તરમાં માથાભારે શખ્સ તરીકે ઓળખાતા હતા. જામનગર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો.