Gujarat

100 કરોડના બોગસ બીલીંગ કૌભાંડમાં દુધાત ઇન્ટરનેશનલના સંચાલકના જામીન નકારાયા

By GS TEAM
9 Jul 20252 mins read
100 કરોડના બોગસ બીલીંગ કૌભાંડમાં દુધાત ઇન્ટરનેશનલના સંચાલકના જામીન નકારાયા

સુરત

રૃા.15.19 કરોડની ક્રેડીટ ઉસેટી લેવાના ગુનામાં યતીન દુધાતની એપ્રિલ-2025માં ડીજીજીઆઇએ ધરપકડ કરી હતી     

બોગસ પેઢીઓના નામે 100 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને 15.19 કરોડની આઈટીસી ઉસેટવાના કેસમા ડીજીજીઆઈ સીજીએસટી વિભાગે જેલભેગા કરેલા મે.દુધાત ઈન્ટરનેશનલના શકદાર સંચાલકની નિયમિત જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ ભાવેશ કે.અવાસીયાએ નકારી કાઢી છે.

બોગસ પેઢીઓના નામે અંદાજે 100 કરોડના બોગસ બીલીંગના આધારે 15.19 કરોડની આઈટીસી ઉસેટીને સીજીએસટી  એક્ટના ભંગના ગુનામાં ડીજીજીઆઈ વિભાગના અધિકારીએ ગઈ તા.14-4-2925ના રોજ મે.દુધાત ઈન્ટરનેશનલના શકદાર સંચાલક યતીન વિનુભાઈ દુધાત(રે.યુનીટાઈ બિઝનેસ હબ,યોગીચોક)ની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.શકદાર યતીન દુધાતના નિયમિત જામીનની માંગને સુરતની સીજીએમ કોર્ટે નકારી કાઢ્યા બાદ વધુ એકવાર જામીન માટે એપેલેટ કોર્ટમાં અરજી કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે શકદારે સુરત-વાપી ડીજીજીઆઈના તમામ સમન્સના યોગ્ય જવાબ આપીને સમયસર દસ્તાવેજો રજુ કર્યા છે.શકદારે કાયદાનું પાલન કર્યું હોવા છતાં ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.જેના વિરોધમાં  ડીજીજીઆઈ તરફે ખાસ નિયુક્ત પબ્લિક પ્રોસિક્યુટર ઈમરાન મલેકે જણાવ્યું હતું કે શકદારે કોઈ પણ પ્રકારની માલની ખરીદી કે સપ્લાય કર્યા વિના બોગસ બીલોના આધારે 15.19 કરોડની આઈટીસી ખોટી રીતે ઉસેટી છે.શકદારે સુરત-વાપી ડીજીજીઆઈએ એકથી વધુ વાર સમન્સ ઈસ્યુ કરવા છતાં  નિવેદન માટે હાજર ન થઈને તપાસમાં સહકાર આપ્યો નથી.,શકદાર વિરુધ્ધ દેશના અર્થતંત્રને હાનિ પહોચાડવાના પ્રથમદર્શનીય કેસની તપાસ હાલ ચાલુ છે.જેથી જામીન આપવાથી તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ હોવા ઉપરાંત આવા આર્થિક  ગુનાને પ્રોત્સાહન મળે તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી ગુનાની ગંભીરતા તથા સામાજિક અસરને લક્ષમાં લઈને યતીન દુધાતના નિયમિત જામીનની માંગને નકારી કાઢી છે.