Gujarat

એક કરોડની ઠગાઇમાં દિલ્હીના ગઠિયાની જામીન અરજી નામંજૂર

By GS TEAM
16 Jul 20251 min read
એક કરોડની ઠગાઇમાં દિલ્હીના ગઠિયાની જામીન અરજી નામંજૂર

વડોદરા,બુધવાર : શેર માર્કેટમાં રોકાણ કરાવાના બહાના હેઠળ રૃા.૧ કરોડથી વધુની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા દિલ્હીના ઠગે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મની નારાયણન નાયરે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને આરોપીઓએ ફોન કરી સ્ટોકમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને વિશ્વાસ જીતવા માટે ગઠિયાઓએ આઇસીઆઇસીઆઇ સિક્યુરીટી લી.નો મુંબઇનો સ્ટેમ્પ અને સહીવાલો લેટર મોકલ્યો હતો. ફરિયાદી પાસે આરોપીઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને જે શેર ખરીદવામાં આવે તેની તથા કેટલી રકમનું રોકાણ કર્યું તે તમામ વિગતો તેમાં જોવા મલતી હતી.

ફરિયાદીએ કુલ રૃા.૧.૧૧ કરોડનું રોકાણ કર્યું હતું અને તેમણે એક વાર રૃા.૩૫,૦૦૦ તેમજ  રૃા.૧ લાખ વિડ્રો કરતા તે રકમ વિડ્રો થઇ હતી એટલે તેમને વિશ્વાસ બેઠો હતો. જો કે, ત્યાર બાદ બાકીની રકમ વિડ્રો ન કરવા દઇ ઠગાઇ કરી હતી. પોલીસે આ કેસમાં ઇકુતીદાર અહેમદ મલેકની દિલ્હી ખાતેથી ઠગાઇ કરી હતી.પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે આરોપીની જામીન અરજી રદ કરી હતી.