Gujarat

પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર

By GS TEAM
2 Oct 20251 min read
પ્રેમ સબંધમાં પતિની હત્યા કરનારી પત્ની અને તેના દિયરની જામીન અરજી નામંજૂર

વડોદરા : સમા વિસ્તારની ડિફેન્સ કોલોનીમાં દિયર અને ભોજાઇના પ્રેમપ્રકરણનો લોહિયાળ અંજામ આવ્યો હતો.જેમાં ૪૩ વર્ષીય મહિલાએ તેના પ્રેમી દિયરને સાથે રાખી આડખીલીરૃપ બનતા પતિની હત્યા કરી હતી.હાલ જેલમાં રહેલા દિયર અને ભોજાઇએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

ચાણક્યપુરી વિસ્તારમાં અંબાજી મંદિર પાસે ડિફેન્સ સોસાયટી-૨માં મૂળ યુપીના ફિરોજાબાદનો વતની હરિગોવિંદ હુબ્બલાલ યાદવ(૩૩ વર્ષ) તેની પત્ની સાધના યાદવ (૪૩ વર્ષ) સાથે ભાડે રહેતો હતો.કલર કામ કરતા હરિગોવિંદ સાથે તેનો નાનો ભાઇ ધર્મેન્દ્ર યાદવ(૨૧ વર્ષ) પણ રહેતો હતો. ધર્મેન્દ્ર અને સાધના વચ્ચે આડાસબંધ હોવાની આશંકા જતાં હરિગોવિંદે તેના ભાઇને કાઢી મૂક્યો હતો. પતિ-પત્ની વચ્ચે રોજ કંકાસ થતો હતો અને પતિ મારઝૂડ પણ કરતો હતો.

પ્રેમ પ્રકરણમાં આડખીલી રુપ બનેલા પતિનો કાંટો કાઢી નાંખવા માટે સાધના અને ધર્મેન્દ્રએ પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. રાતે હરિગોવિંદ સૂઇ જતાં સાધનાએ તેના પ્રેમી દિયરને બોલાવી લીધો હતો. સાધનાએ પતિના હાથ પકડી લીધા હતા જ્યારે,ધર્મેન્દ્રએ ગળું દબાવી હત્યા કરી હતી. આ ચકચારી બનાવમાં હાલ જેલમાં રહેલા સાધના યાદવ અને તેના દિયર ધર્મેન્દ્ર યાદવે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકારી વકીલ આર.એમ.જ્ઞાાનચંદાનીએ દલીલ કરી હતી કે, આરોપીને જામીન આપવામાં આવશે આરોપીઓ સાક્ષીઓને ધમકાવશે અને ફરી આ પ્રકારનો ગુનો આચરશે.