Gujarat

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા વિકાસ લોહાણાની જામીન અરજી રદ

By GS TEAM
7 Jul 20251 min read
ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા વિકાસ લોહાણાની જામીન અરજી રદ

વડોદરાભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના  બનાવમાં સંડોવાયેલા આરોપી વિકાસ લોહાણાએ તેના દાદીનું મૃત્યુ થતાં તેની ધાર્મિક વિધિ માટે વચગાળાના જામીન માંગતા અદાલતે આરોપીની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતુ કે,તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે આરોપી સામે ૧૭ ગુના નોંધાયેલા છે ત્યારે તેની જામીન અરજી મંજૂર કરવી વાજબી જણાતું નથી.

કેસની વિગત એવી છે કે, રેસકોર્સ વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે થયેલી તકરારના  બનાવ બાદ પાર્થ  બાબુલ પરીખે તેના  બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તેમજ વિકાસ પરસોત્તમ લોહાણાની સાથે તા.૨૫મીએ રાતે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના પિતરાઇ ભાઇ  પર લાકડીથી  હુમલો કરતા સચીનનું મોત નિપજ્યું હતું.આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી વિકાસ ઉર્ફે વીક્કી પરસોત્તમ લોહાણાએ તેના દાદીનું મૃત્યુ થતાં  પાંચ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા અને રજૂઆત કરી હતી કે, દાદીના બારમા-તેરમાની વીધીમાં તેની હાજરી જરુરી છે. જામીન અરજીની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ એચ.આર.જોષી હાજર રહ્યાં હતા. તેમણે રજૂઆત કરી હતી કે, આરોપી સામે અગાઉ ૧૭ ગુના નોંધાયેલા છે ત્યારે જામીન આપવામાં આવશે તો સાક્ષીને ધાકધમકી આપશે. જ્યારે તપાસ અધિકારીએ વિધી પરિવારના અન્ય સભ્યો પણ કરી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી રદ કરી હતી.