શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર
હાઇકોર્ટમાં જામીન અરજી કરી હોવા છતાં વિગતો છુપાવી
વડોદરા :રાજ્યભરમાં ચકચાર જગાવનારા શેખબાબુ શેખ હત્યા કેસમાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલે વચગાળાના જામીન માગતા અદાલતે બન્ને અરજદારની અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં ફતેગંજ પોલીસે ચોરીની શંકાના
આધારે સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલા શેખબાબુ શેખની અટકાયત કરી હતી અને તેને પોલીસ
સ્ટેશનમાં ઢો માર મારવામાં આવતાં શેખબાબુનું મોત થયું હતું. આ બનાવ અંગે ફતેગંજ
પોલીસ સ્ટેશનના તત્કાલિન પી.આઇ., એક પીએસઆઇ અને ચાર
કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
કોન્સ્ટેબલ રાજેશ સવજીભાઇ ગડચરે ૧૦ દિવસના જામીન માંગતા રજૂઆત કરી હતી કે, તેને બેચલર ઓફ આર્ટસની પરીક્ષા આપવાની છે.
તેણે વધુમાં એવી પણ
રજૂઆત કરી હતી કે, તેણે આ સિવાય હાઇકોર્ટ કે, સુપ્રિમ કોર્ટમાં કોઇ જામીન અરજી કરી નથી. જો કે, તપાસ
અધિકારીએ તેના રિપોર્ટમાં અરજદારે હાઇકોર્ટમાં જામીન અરજી મુકી હોવાનું જણાવ્યું
હતું. ન્યાયાધીશે અરજદારે વિગતો છુપાવી હોવાની નોંધ સાથે અરજી રદ કરી હતી. જ્યારે
બનાવમાં સંડોવાયેલા કોન્સ્ટેબ પંકજ માવજીભાઇ રાઠોડે તેની પત્નિને પગે ફેક્ચર થતાં
તેની સર્જરી માટે ૨૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે તેની અરજી પણ રદ કરી
હતી.