Gujarat

૨૫ લાખની ઠગાઇમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
13 May 20261 min read
૨૫ લાખની ઠગાઇમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી રદ

વડોદરા : રૂા.૨૫ લાખથી વધુની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદમાં નોંધ્યું હતું કે,આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો છે અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૃરી છે.

કેસની વિગત એવી છે કે,ભરતભાઈ પટેલે તા. ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ રાધે એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી ઇન્સ્ટાગ્રામ પર લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરી રોજના ૨ ટકા લેખે ૧૦૦ દિવસ સુધી ગેરંટીડ વળતર આપવાની જાહેરાત કરતા  ફરિયાદી તેમજ તેનામિત્રોએ રૃા.૨૫,૭૫,૦૦૦નું રોકાણ કર્યું હતું અને આ રકમ આરોપીઓએ પરત કરી ન હતી.

બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બનાવમાં સંડોવાયેલ આરોપી મિત્તલ મહેન્દ્રભાઇ પરમાર અને દક્ષેશ મહેન્દ્રભાઇ પરમારે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ ગુનો એક સુનિયોજિત ગુનાહિત કાવતરું છે જેમાં આરોપીઓએ રોકાણકારોનો વિશ્વાસ જીતીને સક્રિય ભૂમિકા ભજવી છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ બન્ને અરજદારની અરજી નામંજૂર કરી હતી.