Gujarat

રતનપુરના કુખ્યાત બૂટલેગર સચીન સહિત બે આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
7 Apr 20262 mins read
રતનપુરના કુખ્યાત બૂટલેગર સચીન સહિત બે આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : વડોદરા ગ્રામ્ય સહિત અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં હત્યાની કોશિશ, લૂંટ અને વિદેશી દારૃની હેરાફેરી સહિતના અસંખ્ય ગુનો આચરનારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ બે આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે બન્ને આરોપીની જામીન અરજી રદ કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કેઆરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના પુરાવા હોવાથી તેમને જામીન પર મુક્ત કરવા ન્યાયના હિતમાં નથી.

ઉલ્લેખનીય છે કે, રતનપુરમાં રહેતા જયસ્વાલ પરિવારના સભ્યો તેમજ તેના સાગરીતો દ્વારા વિદેશી દારૃની હેરાફેરીનું મોટુ નેટવર્ક ઉભુ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી રાજેશ ઉર્ફે  ખન્ના શામળભાઇ બારીયા અને સચીન રાકેશકુમાર ઉર્ફે લાલો જયસ્વાલે જામીન અરજી મૂકી હતી. જામીન અરજીની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે,આ ટોળકી પોલીસ રેડ દરમિયાન સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાની અને પ્રાણઘાતક હથિયારો વડે ઇજા પહોંચાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. સચીન જયસ્વાલ વિરુદ્ધ ૫ ગુના અને રાજેશ બારીયા વિરુદ્ધ ૩ ગંભીર ગુના નોંધાયેલા છે.

જ્યારે તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપી સચીન જયસ્વાલે દારૃના ધંધાના નાણાં છુપાવવા માટે જય માતાજી ફ્ટ એન્ડ વેજીટેબલ નામે ખોટી પેઢી બનાવી હતી, જેના બેંક ખાતામાં અંદાજે ૪.૧૮ કરોડ રૃપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. રાજેશ બારીયાના ખાતામાં પણ ૩૫.૯૦ લાખથી વધુના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ બન્ને અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે,સંગઠિત ગુનાહિત ટોળકીના સભ્યો તરીકે આ આરોપીઓ સમાજની શાંતિ અને સુરક્ષા માટે જોખમરૃપ છે. ખાસ કરીને બેંક ખાતાઓમાં થયેલા કરોડોના શંકાસ્પદ વ્યવહારો અને ગુનાહિત ઈતિહાસ આરોપીઓની સક્રિય ભૂમિકા સ્પષ્ટ કરે છે.