Gujarat

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
13 May 20261 min read
યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ

વડોદરા : યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી)ના નાણાંની ઉઘરાણીના વિવાદમાં વડોદરાથી કારમાં યુવકનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ગુનાની તપાસ હજુ અત્યંત નાજુક તબક્કે છે અને અરજદારનો ગુનાહિત ઇતિહાસ જોતા તેમને જામીન આપવા યોગ્ય નથી.

બનાવની વિગત એવી છે કે, વડોદરામાં રહેતા અને દુબઈમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા નિલેશભાઈ ચૌહાણે તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પુત્ર આદિત્ય ઉર્ફે લક્કી અને તેના મિત્ર વિશાલનું સુરેશ સહિતના ચાર શખ્સોએ કારમાં અપહરણ કર્યું છે.ફરિયાદીએ આ અપહરણ યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી)ના નાણાકીય વ્યવહારના વિવાદમાં બની હોવાનું પણ જણાવ્યું હતું.પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓનો પીછો કરી ચાર આરોપીને ઝડપી પાડયાં હત.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી સુરેશ કાલાભાઇ અને કુલદીપહરજીભાઇ ચૌધરીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ અપહરણ અને ખંડણી માંગવાનો ગંભીર ગુનો જણાઈ આવે છે. પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે આરોપી સુરેશભાઈ સામે અગાઉ અન્ય પોલીસ સ્ટેશનોમાં  ત્રણ ગુના નોંધાયેલા છે, જે દર્શાવે છે કે તે રીઢા ગુનેગાર છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને અરજદારની અરજી નાંજૂર કરી હતી.