Get The App

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ

સોનાની દાણચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયા હતા

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં બે આરોપીની જામીન અરજી રદ 1 - image


વડોદરા : દુબઇથી રૃા.૧.૮૦ કરોડનો સોનાનો પાવડર મોજામાં છુપાવી દુબઇથી ભારત લાવવાના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ મંજુસર પોલીસે ઝડપી પાડયા બાદ બે આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે બન્ને આરોપીની જામીન અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, હાલ તપાસ નાજુક તબક્કામાં છે. વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું આયાત કરવામાં આવ્યું છે અને અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો છે.

કેસની વિગત એવી છે કે, મંજુસર પોલીસને બાતમી મળી હતી કે, કલાલી બીલ રોડ પર રહેતો અશોક રમણભાઇ પ્રજાપતિ નામનો શખ્સ અલગ અલગ લોકોને દુબઇ મોકલે છે અને કસ્ટમ અને એક્સાઇઝ ડયુટી ન ભરવી પડે તે માટે લગેજ અને બેગમાં સોનું છુપાવી ભારતમાં ઘુસાડે છે. પોલીસને એવી પણ બાતમી મળી હતી કે, અશોકે દુબઇ મોકલેલા બે શખ્સ સાવલી તરફ આવવાના છે એટલે પોલીસે બાતમીના આધારે વિપુલ દશરથભાઇ પટેલ અને હરિશચંન્દ્ર અરવિંદ સોલંકીને ઝડપી પાડયા હતા.

પોલીસે તેમનું લગેજ ચેક કરતા બેગમાંથી છ મોજા મળી આવ્યા હતા અને તેમાં છુપાવવામાં આવેલ રૃા.૧.૮૧ કરોડનું પાવડર સ્વરુપમાં સોનું તેમજ ૨૨૮૯ દીરહામ મળી આવ્યા હતા. તપાસમાં અમદાવાદ  ખાતે રહેતા સુબુર આલમની પણ સંડોવણી સપાટી પર આવી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા વિપુલ પટેલ અને અશોકકુમાર પ્રજાપતિએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારો દાણચોરીમાં સંડોવાયેલા છે અને દેશને આર્થિક નૂકશાન પહોંચાડે તેવો ગુનો આચર્યો છે. અમદાવાદના સબુર નામના આરોપીની ધરપકડ કરવાની બાકી છે.

ઇન્કમ ટેક્સ, જીેએસટી અને કસ્ટમ વિભાગે પણ તપાસ શરુ કરી

જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર પીએસઆઇ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, કસ્ટમ અને એક્સાઇઝ ડયુટી ન ભરવી પડે તે માટે આરોપીઓ પાવડર સ્વરુપમાં સોનું લઇને આવ્યાં હતા. આ બનાવની જાણ કસ્ટમ વિભાગને તા.૧૪ જુલાઇના રોજ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગને પણ બનાવની જાણ કરવામાં આવી છે અને આ તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ગુનાની તપાસ શરુ કરવામાં આવી હોવાના કારણે અરજદારોને જામીન આપવા જોઇએ નહી.

Tags :