Gujarat

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
5 Dec 20251 min read
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ

વડોદરા : સિંધરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળતા એટીએસની ટીમે વર્ષ ૨૦૨૨માં રેડ પાડી ૪૭૭ કરોડથી વધુનો જથ્થો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા બે આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે બન્ને આરોપીની નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે જામીન અપી શકાય નહી.

કેસની વિગત એવી છે કે, એટીેસની ટીમે સિંધરોટમાં  રેડ પાડી ૬૩ કીલો તૈયાર થયેલો મેફેડ્રોનનો જથ્થો તેમજ ૮૦ કીલો મેફેડ્રોન બનાવવાનું લિકવિડ મળી કુલ રૃા.૪૭૭ કરોડનો જથ્થો કબજે કરતા આ બનાવના પગલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી અનિલકુમાર રામજીભાઇ પરમાર તેમજ સલીમ ઉર્ફે સલીમ દુધવાળાએ જામીન અરજી  મૂકી હતી.

જામીન અરજીની સુનાવણીમાં સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. જો જામીન આપવામાં આવશે તો કેસને નુકસાન પહોંચાડશે અને ફરી આ પ્રકારના ગુનાઓ આચરશે.ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, અગાઉ જે આરોપીને જામીન મળ્યા છે તેમનો રોલ અને હાલના આરોપીઓનો રોલ અલગ અલગ છે.