Gujarat

લાંચ કેસમાં બે નિવૃત્ત સહિત ત્રણ શિક્ષકની જામીન અરજી નામંજૂર

By GS TEAM
7 Sep 20251 min read
લાંચ કેસમાં બે નિવૃત્ત સહિત ત્રણ શિક્ષકની જામીન અરજી નામંજૂર

વડોદરા : ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા લાંચની માગણી કરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે ત્રણે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ડભોઇ તાલુકામાં કુલ ૨૦ ગૃપ પ્રાથમિક શાળાઓ આવેલી  છે. આ શાળાઓનું વર્ષ ૨૦૨૧-૨૨નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઇ સોલંકી (રહે.ગોત્રી)એ કર્યું હતું અને ઓડિટમાં કોઇ ક્વેરી નહી કાઢવા માટે વસઇ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ પટેલે એક ગૃપ શાળાના રૃા.૨ હજાર પ્રમાણે ૨૦ ગૃપ શાળાઓ માટે ઓડિટરને રૃા.૪૦ હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગૃપ આચાર્યો પાસે રૃા.૨ હજારની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેણે એસીબીમાં ફરિયાદ નોંધવતા લાંચના છટકામાં ઘનશ્યામભાઇ પટેલ (વસઇ પ્રાથમિક શાળા, આચાર્ય), બુધ્ધિસાગર સોમાભાઇ પટેલ (નિવૃત્ત શિક્ષક), મહેન્દ્રસિંહ સોલંકી (ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, આચાર્ય) અને મુકુંદભાઇ ચૌહાણ (નિવૃત્ત શિક્ષક) ઝડપાઇ ગયા હતા,જે તમામ આરોપી હાલ જેલમાં છે.

જેલમાં રહેલા નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર પટેલ અને મુંકુદભાઇ ચૌહાણ તેમજ શિક્ષક  મહેન્દ્રસિંહ સોલંકીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે જામીન આપવાનું યોગ્ય જણાતું નથી.