૧૫ કરોડની ખંડણીના કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર
કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી હતી

વડોદરા : સાવલીના ટુંડાવ ખાતે આવેલી કંપની પોલ્યુશન ફેલાવતી હોવાનો આક્ષેપ કરી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ૧૫ કરોડની ખંડણી માગવાના કેસમાં ત્રણ આરોપીઓએ જામીન અરજી મૂકતાં એડિ. ચીફ જ્યુ. મેજિ.એ ત્રણે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
ટુંડાવ ખાતે રહેતા જીતસિંહ ઉર્ફે દાઉદ રાણા તથા સુનિલ મહિડાએ
ઇન્ડો એમાઇન્સ લિ. કંપનીમાં જઈ રિપબ્લિકન પાર્ટી આફ ઇન્ડિયાના સ્ટેટ પ્રેસિડેન્ટ
આફ ગુજરાતનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. જીતસિંહ રાણાએ કંપનીના ડિરેક્ટરને ફોન
કરીને જણાવ્યું હતું કે, ગામના લોકોએ કંપની વિરુદ્ધ પોલ્યુશનની ફરિયાદ
કરી છે. તમારે ૧૫ કરોડ આપવા પડશે જો નહીં આપો તો તમારી કંપની બંધ કરાવી દઈશું.
આરોપીઓએ એનજીટીના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે તેમ પણ જણાવ્યું હતું.
ત્યાર બાદ સયાજીગંજ વિસ્તારની હોટલમાં મીટિંગ કરી હતી.
દરમિયાનમાં આ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે જીતસિંહ ઉર્ફે દાઉદ
છત્રસિંહ રાણા (રહે. - ટુંડાવ ગામ, અંજેસર, સાવલી) અને સુનિલ
રોહિત મહિડા (રહે. - નવજીવન સોસાયટી, તરસાલી) તેમજ સન્ની
પ્રવીણભાઇ સોલંકી (રહે. સમા)ની ધરપકડ કરી હતી. અદાલતે અગાઉ ત્રણે આરોપીના એક
દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્યાર બાદ આરોપીઓને જેલમાં મોકલી આપવાનો આદેશ
કર્યો હતો. હાલ જેલમાં રહેલા ત્રણે આરોપીએ જામીન અરજી મૂકતાં એડિ. ચીફ જ્યુ.
મેજિ.એ ત્રણે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

