Gujarat

સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

By GS TEAM
27 Apr 20261 min read
સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

વડોદરા : ચોરી તેમજ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવા સહિતના અસંખ્ય ગુનાઓ આચરનારી સુનિલપાન ગેંગના સાગરીતે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે અને સંગઠિત ગુનાખોરી અર્થતંત્ર અને જાહેર શાંતિ પર ગંભીર અસર કરે છે.

ઉલ્લેખનીય છે કે, સંગઠીત ગેંગ બનાવીને અસંખ્ય ગુનાઓ આચરનારી સુનિલપાન ગેંગ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમાસિંગ બાવરીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, અન્ય સહ-આરોપીઓને જામીન મળ્યા હોવાથી સમાનતાના ધોરણે અરજદારને પણ જામીન મળવા જોઇએ.

જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, ગેંગ વિરુદ્ધ કુલ ૧૧૮ ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી અરજદાર પ્રેમસિંગ વિરુદ્ધ કુલ ૧૫ ગુનાઓ નોંધાયેલા છે. પ્રેમસિંગનો રોલ અન્ય આરોપીઓ કરતા અલગ છે અને તેના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની સંખ્યા ઘણી વધારે છે.ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા ચૂકાદમાં નોંધ્યું હતું કે,જામીન માટે સમાનતાનો નિયમ અહીં લાગુ પડતો નથી, કારણ કે અરજદાર સામે ગંભીર પ્રકારના અનેક ગુનાઓ છે.