Get The App

કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર

પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે ૧૫ દિવસના જામીન માગ્યા હતા

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર 1 - image


વડોદરા : હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્સ પાસે ૧૪૦ની સ્પિડથી દોડતી કારે  ત્રણ વાહનને અડફેંટમાં લઇ આઠ લોકોને ઇંજા પહોંચાડી હતી અને એક મહિલાનું મોત થયું હતું. આ ચકચારી બનાવમાં હાલ જેલમાં રહેલા રક્ષિત ચૌરસિયાએ દિવાળીનો તહેવાર તે પરિવાર સાથે ઉજવી શકે તે માટે ૧૫ દિવસના જામીન માગતા અદાલતે અરજી નામંજૂર કરી હતી.

 કેસની વિગત એવી છે કે, તા.૧૩ માર્ચની રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જનારા રક્ષિત ચોરસીયાએ કારમાંથી બહાર નિકળી  અન અધર રાઉન્ડની ત્રણ વાર બુમો પાડી હતી અને ત્યાર બાદ નીકીતા તેમજ ઓમ નમઃ શિવાય તે રીતની પણ બુમો પાડતા તેનો વિડીયો સમગ્ર દેશમાં વાઇરલ થયો હતો.આ બનાવમાં પોલીસે રક્ષિત ચોરસીયાની ધરપકડ કર્યા બાદ હાલ તે જેલમાં છે.

આ કેસમાં ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ રક્ષિત ચોરસીયાએ રેગ્યુલર જામીન અરજી મુકી હતી, જે જામીન અરજી ન્યાયાધીશે તા. તા.૧૫ ઓક્ટોબરના રોજ નામંજૂર કરી હતી. અદાલતે રેગ્યુલર જામીન અરજી નામંજૂર કર્યા બાદ તેણે વધુ એક વાર અદાલતમાં ૧૫ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા.

જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીનો કોઇ ગુનાહીત ભૂતકાળ નથી અને તેની પાસે પાસપોર્ટ પણ નથી. દિવાળીનો તહેવાર હોવાથી માનવતાના ધોરણે તેને જામીન આપવામાં આવે તો તે પરિવાર સાથે તહેવાર ઉજવી શકે.અદાલતે અરજીમાં જે કારણો દર્શાવવામાં આવ્યા છે તે સામાન્ય પ્રકારના છે અને કોઇ મેડિકલ કે અન્ય કોઇ ઇમરન્સી ન હોવાની નોંધ સાથે અરજી નામંજૂર કરી હતી.

Tags :