Gujarat

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર

By GS TEAM
22 Aug 20251 min read
ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર

વડોદરા : ભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના  બનાવમાં સંડોવાયેલા આરોપી પાર્થ પરિખે હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયમૂર્તિએ ચૂકાદામાં નોંધ્યું હતું કે, મૃતકને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટ જતા તેમ ન કહી શકાય કે, આરોપીઓનો ઇરાદો મારી નાંખવાનો ન હતો.

કેસની વિગત એવી છે કે, રેસકોર્સ વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે થયેલી તકરારના  બનાવ બાદ પાર્થ  બાબુલ પરીખે તેના  બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તેમજ વિકાસ પરસોત્તમ લોહાણાની સાથે તા.૨૫મીએ રાતે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના પિતરાઇ ભાઇ  પર લાકડીથી  હુમલો કરતા સચીનનું મોત નિપજ્યું હતું.આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી પાર્થ પરીખે હાઇકોર્ટમાં જામીન અરજી મુકી હતી અને રજૂઆત કરી હતી કે, અરજદારે મૃતક પર હુમલો કર્યો નથી. તેના કપડા પર લોહીના ડાઘ મળી આવ્યા નથી. જ્યારે સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. હાઇકોર્ટે અગાઉ પણ અરજદારની અરજી નામંજૂર કરી છે. જ્યારે વીથ પ્રોસિક્યુશન પણ અરજદારની અરજી નામંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હાઇકોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરજદાર પાર્થ પરીખની જામીન અરજી રદ કરી હતી.