નશીલી દવાના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની જામીન અરજી નામંજૂર
૪૯ લાખની ડ્રામાડોલ કેપ્સ્યુલ અને કફ સિરપ કબજે કરાયું હતુ
વડોદરા : મેડિકલ સ્ટોરના લાયસન્સ પર નશાકારક સીરપનો ગેરકાયદે ધંધો કરતા મેડિકલ સ્ટોરના સંચાલક સામે એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ એક આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, જે જગ્યાનું લાયસન્સ નથી તેવી જગ્યાએથી સિરપ અને પ્રતિબંધિત દવાનો રૃા.૪૯.૮૫ લાખનો જથ્થો મળી આવ્યા છેે. કબજે કરાયેલી કેટલીક બોટલો પર સ્ટીકર પણ નથી.
કેસની વિગત એવી છે કે, પોલીસને બાતમી મળી હતી કે, વિપુલ રાજપૂત વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ એપાર્ટમેન્ટમાં
ઓકલેન્ડ ફાર્મસી નામનો મેડિકલ સ્ટોર ધરાવે છે અને તે પ્રતિબંધીત દવા અને કફ
સિરપનું વેંચાણ કરે છે. પોલીસે રેડ પાડતા તેની પાસેથી જંગી માત્રામાં કફ સિરપની
બોટલો તેમજ ડ્રામાડોલ કેપ્સ્યુલ અને
અલ્પ્રાઝોલમ ટેબલેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે કેયુર રાજપૂતના
મેડિકલ સ્ટોરમાં પણ તપાસ કરતા તેની પાસેથી પણ દવા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો.
રેડ સમયે એફએસએલના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં રૃા.૧૬ લાખની કિંમતની ૭૧૮૫ સિરપની બોટલ, ૧૫.૫૭
લાખની કિંમતની ડ્રામાડોલ કેપ્સ્યુલ અને
૧૫.૪૨ લાખની કિંમતની ૨૪,૬૦૦ અલ્પ્રાઝોલમ ટેબલેટ્સ મળી આવી
આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી વિપુલ
સતિષભાઇ રાજપૂતે જામીન અરજી મુકતા મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે,
જે જગ્યાએથી મુદ્દામાલ કબજે કરાયો છે તે જગ્યાનું અરજદાર પાસે
લાયસન્સ નથી. આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો બને છે.