Get The App

કાસમઆલા ગેંગના સાગરીત ગની ઉર્ફે એરટેલની જામીન અરજી નામંજૂર

૧૬૪ ગુના આચરનારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
કાસમઆલા ગેંગના સાગરીત ગની ઉર્ફે એરટેલની જામીન અરજી નામંજૂર 1 - image


વડોદરા: હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ તેમજ ધાડ સહિતના ૧૬૪ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી કાસામઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તમામ નવ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી ગની ઉર્ફે એરટેલે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે ગંભીર ગુનો છે ત્યારે સમાનતાના ધારણે જામીન આપવા યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, હુસેન કાદરમીયા સુન્ની નામના શખ્સે કાસમઆલા ગેંગના નામથી સંગઠીત ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય ગુનાઓ આચરતા ક્રાઇમ બ્રાન્ચે હુસેનમીયા કાદરમીયા સુન્ની, અકબર કાદરમીયા સુન્ની, શાહીદ ઉર્ફે ભુરીયો શેખ, વસીમખાન ઉર્ફે બબ્લુ પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર સુન્ની, સિકંદર સુન્ની, મહંમદઅલ પઠાણ, સુફીયા પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખ સામે જાન્યુઆરી માસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તમામ નવ આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ (રહે.હાથીખાના)એ જામીન અરજી મુકી હતી અને તેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાઇકોર્ટેમાં બે આરોપીની જામીન અરજી મંજૂર થઇ છે ત્યારે સમાનતાનો લાભ અરજદારને મળવો જોઇએ. જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, દરેક આરોપી સામે અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે ત્યારે તેનો ગુનાહીત ભૂતકાળ પણ ધ્યાનમાં લેવો જોઇએ. ન્યાયાધીશે આરોપી ગુનાહીત ભૂતકાળ ધરાવતો હોઇ અને ફરી સમાન પ્રકારના ગુનાઓ આચરશે તેવી સંભાવનાને નકારી શકાય નહી તેવી પણ ચૂકાદામાં નોંધ કરી હતી.

Tags :