Gujarat

૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીની જામીન અરજી રદ

By GS TEAM
9 Oct 20251 min read
૧૬૪ ગુના આચરનાર કાસમઆલા ગેંગના સુત્રધાર હુસેનમીયા  સુન્નીની જામીન અરજી રદ

વડોદરા: હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ તેમજ ધાડ સહિતના ૧૬૪ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી કાસામઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા ગેંગના સુત્રધાર હુસેનમીયા સુન્નીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, કાયદાનો ઉદ્દેશ્ય માત્ર આરોપીના અધિકારોનું રક્ષણ કરવાનો નથી પરંતુ સમાજ અને વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવાનો પણ છે.

ઉલ્લેખનીય છે કે, હુસેન કાદરમીયા સુન્ની નામના શખ્સે કાસમઆલા ગેંગના નામથી સંગઠિત ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય ગુનાઓ આચરતા ક્રાઇમ બ્રાન્ચે હુસેનમીયા કાદરમીયા સુન્ની, અકબર કાદરમીયા સુન્ની, શાહીદ ઉર્ફે ભુરીયો શેખ, વસીમખાન ઉર્ફે બબ્લુ પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર સુન્ની, સિકંદર સુન્ની, મહંમદઅલ પઠાણ, સુફીયા પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખ સામે જાન્યુઆરી માસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીહુસેનમીયા કાદરમીયા સુન્નીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયા હાજર રહ્યાં હતા. તેમણે રજૂઆત કરી હતી કે, આરોપી સામે ૨૩ ગુનાઓ નોંધાયેલા છે. જામીન આપવામાં આવશે સાક્ષીઓને ધમકાવશે અને કેસને નુકસાન કરશે. ગેંગના આરોપીઓની ૫૦ લાખની પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી છે અને હાલ ગુનાની તપાસ ચાલી રહી છે.અદાલતે આરોપીનો ગુનાઇત ભૂતકાળ જોતા અરજી નામંજૂર કરી હતી.