Get The App

ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર

પુત્રએ જ પિતાને જેલમાંથી બહાર ન કાઢવા કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેના પર એસિડ ફેંકી ગંભીર ઇંજા પહોંચાડવાના બનાવમાં સંડવાયેલા શખ્સે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,એસિડ એટેક જેવા ગંભીર ગુનામાં, જ્યાં ભોગ બનનારના શરીરના અંગો કાયમી ધોરણે વિકૃત થઈ ગયા હોય, ત્યારે અરજદારને જામીન આપવાનું યોગ્ય જણાતું નથી.

કેસની વિગત એવી છે કેઈનાયત ઈસ્માઈલ શેખે તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી રાત્રિના સમયે બાથરૃમમાંથી એસિડની બોટલ લાવી પત્નીના મોઢા, ગળા, છાતી અને હાથ પર એસિડ છાંટતા તેને ૪૦ થી ૪૫ ટકા જેટલી ગંભીર દાઝવાની ઈજાઓ પહોંચી હતી.આ બનાવમાં હાલ આરોપી જેલમાં હોઇ તેણે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપીના પુત્રએ સોગંદનામું રજૂ કરી પિતાને જામીન ન આપવા જણાવ્યું હતું. પુત્રએ કોર્ટને જણાવ્યું હતું કે, અગાઉ પણ તેના પિતાએ માતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતા. જે ત સમયે સમાધાન પણ કરવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ સમાધાનના માત્ર ચાર મહિનામાં જ પિતાએ ફરી માતા પર  એસિડ ફેંક્યું છે ત્યારે તેમને જેલમાંથી બહાર કાઢવા જોખમી છે.

સુનાવણીમાં  સરકારી વકીલે પણ મેડિકલ રિપોર્ટ ટાંકીને જણાવ્યું હતું કે પત્નીને કાયમી વિકૃતિ આવી છે.બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરતા ન્યાયાધીશે નોંધ્યું હતું કે, આરોપી સામે સ્ટ્રોંગ પ્રાઈમા ફેસી  કેસ છે. પત્નીએ હોસ્પિટલમાં મરણોન્મુખ નિવેદન પણ આપ્યું હતું જેમાં પતિએ જ હુમલો કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આરોપીને જો જામીન આપવામાં આવે તો તે ફરી જીવલેણ હુમલો કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.