Gujarat

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
8 Dec 20252 mins read
ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : વડોદરાના ચાપડ રોડ પરના બંગલામાં કોલ સેન્ટર શરૂ કરી ૧૮૭થી વધુ વિદેશી નાગરિકોને કરોડોનો ચૂનો ચોપડનારા પાંચ આરોપીને સાઇબર ક્રાઇમ યુનિટે ઝડપી પાડયા હતા. હાલ જેલમાં રહેલા આ તમામ આરોપીએ જામીન અરજી મૂકતાં અદાલતે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ સામે પ્રથમદર્શનીય કેસ જણાઈ રહ્યો છે.

કેસની વિગત એવી છે કે, સાઇબર ક્રાઇમ યુનિટે બાતમીના આધારે ચાપડ રોડ પરના વિન્ટેજ બંગ્લોઝમાં તા.૨૦ નવેમ્બરના રોજ રેડ પાડી ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓના લેપટોપ અને મોબાઇલ તપાસતાં યુએસના નંબરો સાથેના એ કે-૪૭ બેકઅપ નામના ગૃપ, મિસ્ટર વર્ક, સુપર સેલ્સમેન અને અમ્મુ નામની વિગતો જાણવા મળી હતી, તેમજ અલગ અલગ ફાઇલો ખૂલી હતી. તપાસમાં ખુલવા પામ્યું હતું કે, આરોપીઓ વિદેશી નાગરિકોને લોનના બહાને ઠગતા હતા.

પોલીસે આરોપીઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ પાંચ આરોપીની ધરપકડ કરી ઘનિ તપાસ કરતા ખુલવા પામ્યું હતું કે, આરોપીઓએ ૧૮૭ જેટલા વિદેશી નાગરિકો પાસેથી ૮,૨૭,૫૦૦ ડોલર મેળવ્યા હતા અને તેને ઇન્ડિયન રૃપિયામાં કન્વર્ટ કરાવી નાણાં મેળવી લીધા હતા. તપાસમાં આરોપીઓએ આંગડિયા મારફતે નાણાંનો વ્યવહાર કર્યો હોવાનું તેમજ ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ મેળવી લેતા હતા અને સીવીસી નંબર મેળવી બનાવટી ડેબિટ કાર્ડ મારફતે ઠગાઈ કરતા હતા.

આ કેસમાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા આરોપી રિતિક વિજયભાઈ કંસારા, હષલ પ્રદીપભાઈ શાહ, સ્નેહ મુકુંદભાઈ પટેલ, અંશ હિતેશભાઈ પંચાલ અને સ્વયંમ અરુણભાઈ રોહિતે જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.