Gujarat

૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ

By GS TEAM
19 Aug 20251 min read
૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ

વડોદરા : શેર બજારમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી રૃા.૫૪ લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, અરજદારનો ગુનામાં સક્રિય રોલ જણાઇ રહ્યો છે. ગુનામાં આજીવન કેદની સજાની જોગવાઇ છે ત્યારે આ કેસમાં સત્તાનો ઉપયોગ કરવાનું યોગ્ય જણાઇ રહ્યું નથી.

કેસની વિગત એવી છે કે, વર્, ૨૦૨૪માં આલોક ચૌધરીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ વોટ્સએપના માધ્યમથી તેમનો સંપર્ક કર્યો હતો અને શેર બજારમાં રોકાણ કરશો તો ખુબ જ ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી હતી. આરોપીઓએ તેમને શેર બજારની ટીપ્સ આપતા બે ગૃપમાં સામેલ કર્યા હતા અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમની પાસે રોકાણ કરાવ્યું હતું.

વોટ્સએપ ગૃપમાં આપવામાં આવતી ટીપ્સ પ્રમાણે તેમણે રૃા.૫૪ લાખનું રોકાણ કર્યું હતું અને તેની સામે એપમાં તેમનો પ્રોફીટ રૃા.૯૨ લાખ બતાવતો હતો. તેમણે નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા માત્ર એક લાખ વીડ્રો થઇ શક્યા હતા અને બાકીની રકમ તેમને પરત કરવામાં આવી ન હતી. આ ગુનામાં સાઇબર ક્રાઇમ પોલીસે આરોપી વત્સલ વસોયાની ધરપકડ કરી હતી. તેણે જામીન અરજી મુકતા અદાલતે આરોપીની અરજી નામંજૂર કરી હતી.