પડોશી યુવકની હત્યા કરનારા આરોપીની જામીન અરજી રદ
મહિલા સહિત ત્રણ આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો
વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં આવવેલી ભૈસાસુર ઝુપડપટ્ટીમાં રહેતા બે પરિવાર વચ્ચે ખાળકૂવો ખાલી કરાવવા બાબતે ઝઘડો થતાં મહિલા સહિતના ત્રણ આરોપીએ પડોશી યુવકની હત્યા કરી હતી. આ બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બનાવની ગંભીરતાને ધ્યાન લઇ અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ઉષાબહેન રાઠોડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં
તેની પડોશમાં રહેતા પ્રવીણ મોહનભાઇ પંચાલ, શીતલ પ્રવીણભાઇ
પંચાલ અને રમેશ સિકલીગર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી
પ્રવીણ અને ફરિયાદીના મકાન વચ્ચે સયુક્ત ખાળકૂવો છે અને તે ભરાઇ એટલે
કોર્પોરેશનમાં ફોન કરી ખાળકુવો ખાલી કરાવતા હતા. ખાળકુવો ભરાઇ જતાં ફરિયાદી તેમજ
તેના પુત્ર પિયુષે પડોશી પ્રવીણભાઇને વારંવાર ખાળકુવો ખાલી કરાવવાનો છે તેવી વાત
કરી હતી, પરંતુ તેઓ ધ્યાન આપતા ન હતા.
તા.૧૯ માર્ચના રોજ રાત્રે પિયુષ વધુ એક વખત પડોશી પ્રવીણભાઇને
ખાળકુવો ખાલી કરાવવાનો છે તેમ કહેવા જતાં ત્રણે આરોપીઓએ ઝઘડો કરી પિયુષને માર
માર્યો હતો. ત્રણે આરોપીએ એટલી ક્રુરતાથી પિયુષને માર્યો હતો કે, તેને
કરોડરજ્જુમા ફ્રેકચર થઇ ગયું હતું અને તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં હાલ
જેલમાં રહેલા આરોપી પ્રવીણ મોહનભાઇ પંચાલે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની
અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, બનાવને
નજરે જોનાર સાક્ષીઓ છે અને પ્રથમદર્શનીય કેસ જણાતો હોઇ અરજી રદ કરવામાં આવે છે.