Gujarat

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
29 Aug 20251 min read
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા: શેર બજારમાં ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી સિનિયર સિટીઝન સાથે  રૃા.૪૬ કરોડથી વધુની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલાઆરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, સિનિયર સિટીઝને  સીઆઇડી ક્રાઇમ (સાઇબર ક્રાઇમ)માં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ તેમનો સંપર્ક વોટ્સએપ દ્વારા કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની કંપની રજીસ્ટર બ્રોકરેજ ફર્મ છે અને અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી.ફરિયાદીએ આરોપીઓની સુચના મુજબ  કર્યું હતું અને વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં રૃા.૫૮૦ કરોડ જમા થયા હોવાનું જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ કરતા આરોપીઓએ સર્વિસ ચાર્જ પેટે પહેલા રૃા.૧૪.૭૦ કરોડ જમા કરાવવા પડશે તેમ કહ્યું હતું. ફરિયાદીએ આ રકમ જમા કરાવી હતી પરંતુ નાણાં વિડ્રો થઇ શક્યાં ન હતા અને કુલ રૃા.૪૬ કરોડથી વધુની તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.આ બનાવમાં સીઆઇડી ક્રાઇમે મનીષ ઠાકુર (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી. ધરપરકડ બાદ હાલ જેલમાં રહેલ આરોપી મનીષે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો કરી હતી.