ભાજપના કાર્યકરની હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી રદ
દેવું ચૂકવવા માટે ૧૫ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા

વડોદરા : ભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી વિકાસ લોહાણાએ માતાને પેટની બીમારી હોઈ તેની સારવારમાં મોટો ખર્ચ થતાં તેના પર દેવું થઈ ગયું હોઈ તે ચૂકવવા માટે ૧૫ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઈ અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, રેસકોર્સ વિસ્તારમાં કાર પાકગ બાબતે થયેલી
તકરારના બનાવ બાદ પાર્થ બાબુલ પરીખે તેના બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ અજમેરી તેમજ
વિકાસ લોહાણાની સાથે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ પર લાકડીથી
હુમલો કરતાં ભાજપના કાર્યકર સચીનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીઓની
ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી વિકાસ ઉર્ફે વીક્કી
પરસોત્તમ લોહાણાએ નાણાંની વ્યવસ્થા કરવા માટે ૧૫ દિવસના વચગાળાના જામીન માગી રજૂઆત
કરી હતી કે,
તેના માતાને પેટની બીમારી છે અને તેનું ઓપરેશન કરાવવામાં આવતાં જંગી
ખર્ચ થતાં તેના પર દેવું થઈ ગયું છે. દેવું ચૂકવવા માટે તેને ૧૫ દિવસના જામીનની
જરૃર છે જેથી તે નાણાંની વ્યવસ્થા કરી શકે. તપાસ અધિકારીએ આ અંગે અરજદારની માતાનું
નિવેદન લેતાં તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેમને પેટની
બીમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું.
તેમનો મેડિક્લેઇમ હોવાથી હોસ્પિટલમાં ડિપોઝિટ પેટે રૃા. ૫ હજાર
ભરવા પડયા હતા. ઓપરેશન બાદ ફરી તેમને પેટની બીમારી થઈ છે પરંતુ મેડિક્લેઇમ ન
હોવાથી તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં છે. ડાક્ટરે ઓપરેશન કરવાનું
કહ્યું છે પરંતુ સાથે કોઈ રહેનાર ન હોઈ ઓપરેશન કરાવ્યું નથી. આમ, માતાના
નિવેદનમાં સારવારના કારણે દેવું થયું હોવાની કોઈ બાબત સામે આવી ન હતી.

