વડોદરા : પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીને ભારતની અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પૂરી પાડવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ખુબ જ ગંભીર ગુનો છે. દેશની સુરક્ષા સાથે સંકળાયેલા આવા ગંભીર ગુનાઓમાં માત્ર ટ્રાયલમાં વિલંબ થશે તેવા કારણોસર આરોપીને જામીન આપી શકાય નહી.
કેસની વિગત એવી છે કે,અંકલેશ્વરની કંપનીમાં કામ કરતો એક શખ્સ
પાકિસ્તાની હેન્ડલરને મિસાઇલ અંગે માહિતી આપી રહ્યો હોવાની બાતમી મળતા સીઆઇડી
ક્રાઇમે પ્રવીણકુમાર ધર્મનાથ મિશ્રાને ઝડપી લીધો હતો. તપાસમાં પ્રવીણકુમારના
મોબાઇલમાં પાકિસ્તાની હેન્ડલરને ગુપ્ત માહિતીઓ આપવામાં આવી હોવાનું જણાયું હતું.
તપાસમાં સોનલ ગર્ગ નામની યુવતી દ્વારા પ્રવીણકુમારને હની ટ્રેપનો શિકાર બનાવી
સંવેદનશિલ માહિતી મેળવવાનો પ્રયાસ થયો હોવાનું પણ સ્પષ્ટ થતા સીઆઇડી ક્રાઇમે
આરોપીની વર્ષ ૨૦૨૪માં ધરપકડ કરી હતી.
આ બનાવમાં આરોપીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય
સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી સામે
દેશદ્રોહ અને જાસૂસીનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આરોપી મિસાઈલ ઉત્પાદન અને
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી
કંપનીમાં ફરજ બજાવતો હતો. તેણે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીને ભારતની અત્યંત
સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પૂરી પાડી હોવાના પુરાવા ચાર્જશીટમાં રજૂ કરવામાં
આવ્યા છે. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા ચેટ ટ્રાન્સક્રિપ્ટ પરથી સ્પષ્ટ થાય છે
કે આરોપી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સીધી રીતે સંડોવાયેલો છે અને જો તેને જામીન
આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે.
ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદાર
પ્રવીણકુમારની જામીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી
સામે ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે તેવો ગુનો છે. જામીન અરજીમાં તપાસ અધિકારીએ
એફિડેવિટ રજૂ કરી આરોપીની સક્રિય ભૂમિકા સ્પષ્ટ કરી હતી. કોર્ટે તમામ પાસાઓને
ધ્યાને રાખી અવલોકન કર્યું કે આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ મજબૂત કેસ જણાય છે.


