૬૯ લાખની છેતરપિંડી કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર
વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના માલિકનો ફોટો મૂક્યો હતો
વડોદરા :વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના માલિકનો ફોટો મૂકી નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે તેમ
જણાવી રૃા.૬૯ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ
આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.
કેસની વિગત એવી છે કે, સંજય ભટ્ટાચાર્યએ તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ
સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે અંકુર સાયન્ટિફિક નામની કંપનીમાં નોકરી કરે છે અને તે
કંપનીના માલિક અંકુર જૈન છે. ૧૭ ઓક્ટોબરના રોજ તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ
મેસેજ આવ્યો હતો અને તેની પ્રોફાઇલમાં તેમના માલિકનો ફોટો ગ્રાફ્સ હતો.
આ શખ્સે કંપનીનો માલિક હોય તે રીતે મેસેજ કર્યો હતો કે, તે
હાલ મીટિંગમાં છે અને નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે એટલે હુ કહું તે બેંક
એકાઉન્ટમાં રૃા.૬૯ લાખ ટ્રાન્સફર કરો એટલે
આ શખ્સ પર વિશ્વાસ મૂકી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ રીતે અજાણ્યા
શખ્સે છેતરપિંડી કરી હતી. તપાસ દરમિયાન આ બનાવમાં દિલીપભાઇ સવજીભાઇ જાગાણી
(રહે.અમદાવાદ)ની સંડોવણી ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી દિલીપ જાગાણીએ જામીન
અરજી મુકતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી સામે વડોદરા ઉપરાંત અમદાવાદ અને
ભાવનગરમાં પણ ગુના દાખલ થયેલા છે. આરોપીએ ગુનામાં મહત્વનો રોલ ભજવ્યો છે. જો જામીન
આપવામાં આવશે તો પુરાવા સાથે ટેડા કરશે. ન્યાયાધીશે અરજદારની
અરજી રદ કરી હતી.