વડોદરા : દ્રષ્ટિહીન વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો બનાવી રૃા. ૫૦ લાખની
બેંક લોન મેળવી છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ફરિયાદીએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ૯૦ ટકા વિકલાંગતા ધરાવે છે, તેમને ચલાલા બેંકમાં ખાતું ખોલાવતી વખતે ખબર પડી હતી કે તેમના નામે
વડોદરામાં અગાઉથી જ ત્રણ ખાતા ચાલુ છે અને તેના પર મોટી લોન લેવાયેલી છે.
વડોદરામાં તપાસ કરતા તેના નામે કેટલાક શખ્સોએ રૃા.૫૦ લાખની લોન લીધી હોવાનું ખુલવા
પામ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મહેશ વાણીયાએ ફરિયાદીના આધાર
કાર્ડ અને પાનકાર્ડનો દુરુપયોગ કરી, પોતાનો ફોટો લગાવી બોગસ
આઈડી તૈયાર કર્યા હતા.
આરોપીએ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પોતે જ ફરિયાદી હોવાની ખોટી ઓળખ આપી ફોટોગ્રાફ પડાવી
મિલકતના વેચાણ દસ્તાવેજો પણ કરાવ્યા હતા અને તેના આધારે એસ.બી.આઈ.માંથી હોમ લોન
મેળવી હતી. આ કેમસાં આરોપી મહેશ કાબાભાઇ વાણીયાની પોલીસે ધરપકડ કરી હતી અને તેણે
જામીન અરજી મૂકતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી આ કૌભાંડનો મુખ્ય
સૂત્રધાર છે. તેણે એક લાચાર દિવ્યાંગ વ્યક્તિની ઓળખ આપીને ગંભીર ગુનો આચર્યો છે.
ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.


