Gujarat

૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
19 Aug 20251 min read
૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : મોક્સી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાં છાપો મારી અમદાવાદ એટીએસએ રૃા.૧૧૨૫ કરોડનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં ઝડપાયેલા આરોપીએ તેની દીકરીની સગાઇ પ્રસંગમાં હાજરી આપવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, અમદાવાદ એટીએસએ મોક્સી ગામમાં આવેલી કંપનીમાં રેડ પાડી મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી મહેશ વૈષ્ણવે ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી રજૂઆત કરી હતી કે, તા.૨૨ સપ્ટેમ્બરના રોજ તેની દીકરીની સગાઇ હોઇ પિતા તરીકે તેની હાજરીની જરુર હોઇ જામીન આપવામાં આવે.

જ્યારે સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, અરજદાર ગુનાનો મુખ્ય આરોપી છે. સગાઇના પ્રસંગમાં અરજદારની પત્નિભાઇ તેમજ બહેનો છે અને આરોપીની ગેરહાજરીમાં પણ પ્રસંગ થઇ શકે તેમ છે. જો જામીન આપવામાં આવશે તો અરજદાર પુરાવા સાથે ચેડા કરશે. આરોપી સામે અગાઉ પણ એનડીપીેસનો ગુનો નોંધાયેલો છે. ન્યાયાધીશે બન્ન પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.