Gujarat

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
6 Jan 20261 min read
૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ

વડોદરા : ૧૧.૨૫ અબજ રૃપિયાનું ૨૨૫ કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવાના ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપીએ દિકરીની સગાઇ બાદ કેટરિંગનું બીલ ચૂકવવાનું બાકી હોઇ ૩૦ દિવસના જામીન માગતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, એટીએસની ટીમે બાતમીના આધારે તા.૧૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સાવલી તાલુકાના મોક્સી ગામ સ્થિત નેક્ટરકેમ કંપનીમાં રેડ પાડી ૨૨૫ કીલો મેફેડ્રોનનો જપ્ત કરી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ગોપાલભાઈ વૈષ્ણવ સહિતના બે આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી મહેશ વૈષ્ણવે ૩૦ દિવસના વચગાળા જામીન માગ્યા હતા અને રજૂઆત કરી હતી કે, તેમની દિકરીની સગાઇ સુરત ખાતે યોજાઈ હતી, જેમાં કેટરિંગના બાકી નીકળતા રૃ. ૧.૨૫ લાખની ચુકવણી કરવા માટે નાણાકીય વ્યવસ્થા કરવાની છે.

જમીન અરજીની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગંભીર ગુનો છે. જો તેને મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને ધમકાવી પુરાવા સાથે ચેડા કરશે અથવા તો નાસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.આથક વ્યવસ્થાનું કારણ જામીન માટે વાજબી નથી. ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતા ચુકાદામાં નોંધ્યું હતું કે, અગાઉ હાઈકોર્ટ દ્વારા સગાઈ અને નાણાકીય વ્યવસ્થા માટે જામીન અપાયા હોવા છતાં ફરીથી એ જ કારણસર જામીન મંજૂર કરી શકાય નહીં.