૩.૩૭ કરોડના ડ્રગ્ઝ સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
પોલીસે પાંચ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો
વડોદરા : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં બનાવેલા શેડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે રેડ પાડી બે શખ્સને રૃા.૩.૩૭ કરોડની કિંમતના મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ જામીન અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં બનાવવામાં
આવેલા શેડમાંડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી બાતમીના આધારે તા.૨૩ ફેબુ્રઆરી ૨૦૨૫ના
રોજ દરોડો પાડયો હતો, જેના પગલે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતી મિનિ
ફેક્ટરીમાં દોડધામ મચી ગઇ હતી. જો કે પોલીસે જગદીશ જીતસિંહ મહિડા (રહે.મોક્સી,
તા.સાવલી) અને પ્રેમચંદકુમારનામના શખ્સને ઝડપી પાડયા હતાં.
પોલીસે શેડમાં બનાવેલી ફેક્ટરીમાં તપાસ કરતાં રૃા.૩.૩૭ કરોડ
કિંમતના ૩ કિલો ૩૭૯ ગ્રામ મેફેડ્રોન
ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત એમડી ડ્રગ્સ બનાવવા માટેનું રો મટિરિયલ અને
સાધન સામગ્રી મળી કુલ રૃા.૩.૪૦ કરોડનો મુદ્દામાલ
કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ત્રણ શખ્સો ચિરાગ પટેલ, વિપુલસિંગ
અને એક અજાણ્યા શખ્સનું નામ ખુલતા પોલીસે તમામ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો
દાખલ કર્યો હતો.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી જગદીશભાઇ જીતસિંહ
મહીડાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર
મુખ્ય આરોપી છે.તેની પાસેથી કોમર્શિયલ હેતુસરનો જથ્થો મળી આવ્યો છે ત્યારે જામીન
અરજી નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ અરજદારની
અરજી રદ કરી હતી.