Gujarat

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
16 Jan 20262 mins read
૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : વરસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવાના નામે પાંચ લાખની માંગણી કર્યા બાદ રૃા.૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે સમાજ વિરુદ્ધનો ગંભીર ગુનો છે અને આવા ગુના દેશના અર્થતંત્રને નૂકશાન કરે છે.

કેસની વિગત એવી છે કે, વારસીયા વિસ્તારમાં આવેલી એક જમીન પર અજાણ્યો બિલ્ડર બાંધકામ કરતો હોવાથી ફરિયાદીએ વારસીયા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરવા માટે અરજી કરી હતી. આ અરજી બાબતે આરોપી સુરેશ રામચંદ તોલાણીએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તેણે ફરિયાદ નોંધવાના બદલામાં વારસીયાના પીઆઇ વસાવાના નામે રૃા.૫ લાખ માગ્યા હતા. આરોપીએ ગુનો દાખલ કરતા પહેલા રૃા.૨.૫૦ લાખ અને ત્યાર બાદ રૃા.૨.૫૦ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ તેમણે આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસટીબીએ છટકુ ગોઠવી આરોપી સુરેશ રામચંદ તોલાણીને રૃા.૨.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકી હતી અને તેમાં રજૂઆત કરી હતી કે, તેને આ ગુનામાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીએ ગુનામાં અત્યંત સક્રિય ભૂમિકા ભજવી છે.

આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરવામાં આવી છે. જામીન અરજીમાં તપાસ અધિકારીએ રજૂ કરેલા જામીન અરજીમાં જણાવ્યું હતું કે, આરોપીના બંને હાથ પર ફીનોપ્થેલીન પાવડરની હાજરી મળી આવી હતી, જે લાંચ સ્વીકાર્યાનો સીધો પુરાવો છે. જો આવા ગંભીર આથક ગુનાના આરોપીને જામીન આપવામાં આવે, તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા ફરી આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.ન્યાયાધીશે આરોપી સુરેશ તોલાણીની જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, ગુનામાં આરોપીની પ્રથમ દર્શનીય સંડોવણી સ્પષ્ટ જણાય છે.