Gujarat

હત્યાના બનાવમાં સોળ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
17 Dec 20251 min read
હત્યાના બનાવમાં સોળ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ

વડોદરા : રણોલી વિસ્તારમાં ૧૬ વર્ષ પહેલા પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થતાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે ૧૬ વર્ષ બાદ ઝડપી પાડયો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, રણોલી જીઆઇડીસી વિસ્તારમાં એલએન્ડટી કંપની પાસે ગઇ તા.૨૭-૧-૨૦૦૯ના રોજ લેબર કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારેસાહેબ દાયમા (રહે.તાંદલજા) પર  પાવડાના હાથા વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તપાસમાં નાગા હડિયાભાઇ સારેલ(બીયાવાડા ગામ,બાંસવાડા,રાજસ્થાન)એ હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે આરોપીની શોધખોળ  શરૃ કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગતો ન હતો.

પોલીસે હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપી પર દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં આરોપી રાજસ્થાનમાં હોવાની બાતમી મળતા જવાહરનગર પોલીસે આરોપી નાગાભાઇ હડીયાભાઇ સારેલને તા.૨૫ જુલાઇ ૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ બાદ ઝડપી પાડયો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને જો તેને જામીન આપવામાં આવશે તો આરોપી ફરી ફરાર થઇ જશે.