Gujarat

હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
30 Sep 20251 min read
હત્યાના બનાવમાં ૧૫ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : જવાહરનગર વિસ્તારમાં પંદર વર્ષ પહેલા પત્નીની હત્યા કરી  ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે બાતમીના આધારે બે મહિના પહેલા તેલંગાના રાજ્યમાંથી ઝડપી પાડયો હતો. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મુળ તેલંગાનાનો વતની લક્ષ્મણ ઉર્ફે રાજુ ઉર્ફે ગોડસે ઉર્ફે મંડલા લક્ષમય્યા મંડલાયેલાયા નામનો શખ્સ વર્ષ ૨૦૧૦માં વડોદરા ખાતે જવાહરનગર વિસ્તારમાં મજુરી કામ કરતો હતો. આ શખ્સે તેની  પત્નીગીતાબહેનની હત્યા કરી હતી અને લાશ સળગાવી દીધા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો.જે તે સમયે આરોપી સામે જવાહરનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવમાં આરોપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હતો અને તેની સામે સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું અદાલતે વોરંટ કાઢ્યું હતું. તાજેતરમાં પોલીસને બાતમી મળી હતી કે, આરોપી તેના રાજ્ય તેલંગાનામાં છે એટલે પોલીસે તા.૨૯ જુલાઇના રોજ આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસ ધરપકડ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકી રજૂઆત કરી હતી કે, મૃતકના પરિવાર સાથે તેને સમાધાન થઇ ગયું છે એટલે તેને જામીન આપવામાં આવે. જો કે, ન્યાયાધીશે ગુનાની ગંભીરતા જોતા આ દલીલ નકારી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.