બેંકમાંથી ૫૦ લાખની લોન લેનારા શખ્સની જામીન અરજી નામંજૂર

વડોદરા : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયમાં બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ગયેલા દિવ્યાંગ વ્યક્તિને તેના બેંકમાં ત્રણ એકાઉન્ટ હોવાનું અને તેના નામે ૫૦ લાખની લોન લેવામાં આવી હોવાની જાણ થતાં દિવ્યાંગે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ૯૦ ટાકા દ્રષ્ટી ગુમાવી ચૂકેલો દિવ્યાંગ યુવક ચલાલા
ખાતેની એસબીઆઇ શાખામાં બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ગયો ત્યારે તેને બેંક કર્મચારીઓએ
તેના નામે વડોદરામાં ત્રણ બેંક એકાઉન્ટ હોવાનું અને રૃા.૫૦ લાખની લોન લીધી હોવાનું
જણાવી એકાઉન્ટ ખોલવાની ના કહી હતી.
આ અંગે દિવ્યાંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તપાસમાં
ખુલવા પામ્યું હતું કે, આરોપીએ દિવ્યાંગ વ્યક્તિના આધારાકાર્ડ, પાનકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજ બનાવ્યાં હતા અને પોતાની ઓળખ દિવ્યાંગ
વ્યક્તિ તરીકેની આપીને તેણે ૫૦ લાખની લોન મેળવી હતી. પોલીસે આ બનાવમાં મહેશ
કાળાભાઇ વાણીયાની ધરપકડ કર્યા બાદ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની
જામીન અરજી નામંજૂર કરી હતી.








