૬૦ લાખની છેતરપિંડી કરનારા ગઠિયાની જામીન અરજી નામંજૂર
પિતાને હાર્ટની તકલીફ હોય જામીન માગ્યા હતા
વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતી વૃદ્ધાને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી તેમજ ઇડીમાંથી બોલતા હોવાનું જણાવી તમારા એકાઉન્ટમાં કરોડોનો ફ્રોડ કરવામાં આવ્યો છે તેમ જણાવી ૬૦ લાખની ઠગાઇ કરનારા ગઠીયાએ પિતાની સારવાર માટે જામીન માગતા અદાલતે અરજી રદ કરી હતી.
કેસની વિગત એવી છે કે, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર ૨૦૨૪માં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેને ફોન કરનારા શખ્સે તે અંધેરી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર બોલતા હોવાનું
જણાવી તમારા એસબીઆઇના બેંક એકાઉન્ટમાં કરોડોનું ટ્રાન્ઝિકશન થયું છે અને ફ્રોડ
કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ આ શખ્સે ઇડીના અધિકારી સાથે વાત
કરાવી હતી અને વૃદ્ધાને તમારી એરેસ્ટ થશે તેવી ધમકી આપી હતી.આમ, તમામ ગઠિયાઓએ વૃદ્ધાને ડરાવી તેના એકાઉન્ટમાંથી રૃા.૬૦ લાખથી વધુની રકમ ઓન
લાઇન મેળવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
આ કેસમાં પોલીસે મહંમદ અમીસ ઇરશાદહુસેન
સીદ્દીકી (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી. આ શખ્સે તેના પિતાને હાર્ટની તકલીફ હોય
તેની સારવાર અને સેવા ચાકરી માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. જામીન
અરજીમાં તપાસ અધિકારીએ સોગંદનામુ રજૂ કરી આરોપી સામે ડિજિટલ એરેસ્ટના અલગ અલગ છ
ગુના નોંધાયેલા હોવાનું તેમજ તેના પિતાને જે તકલીફ છે તે કોઇ ગંભીર બિમારી હોવાનું
મેડિકલ પેપર્સમાં જણાવવામાં આવ્યું ન હોઇ અરજી રદ કરવાની રજૂઆત કરી હતી.