Gujarat

વર્ષ ૨૦૧૪ના કોમી તોફાનનાં આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
29 Jun 20252 mins read
વર્ષ ૨૦૧૪ના કોમી તોફાનનાં આરોપીની જામીન અરજી રદ

 વડોદરાવર્ષ ૨૦૧૪માં થયેલા કોમી તોફાનના બનાવમા સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. આરોપીને અગાઉ અદાલતે જામીન આપ્યા હતા પરંતુ ત્યાર બાદ તે ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોવાના કારણે અદાલતે આરોપી સામે નોન બેલેબલ વોરંટ કાઢ્યું હતું.

કેસની વિગત એવી છે કે, વડોદરામાં વર્ષ ૨૦૧૪માં હિન્દુ-મુસ્લિમના ૪૦૦થી વધુ લોકોના ટોળા સામસામે આવી ગયા હતા. ટોળામાં સામેલ તોફાની તત્વોએ વાહનાનીેં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. આ બનાવ અંગે સિટિ પોલીસે જે તે સમયે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવમાં પોલીસે સાજીદ શેખની ધરપકડ કરી હતી. આ કેસમાં વર્ષ ૨૦૧૫માં સાજીદને કાર્ટે જામીન મુક્ત કર્યો હતો. જો કે, ત્યાર બાદ આરોપી ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોઇ તેની સામે અદાલતે નોન બેલેબલ વોરંટ પણ કાઢ્યું હતું. દરમિયાનમાં વર્ષ ૨૦૨૪માં પોલીસે સાજીદની ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા સાજીદે જામીન અરજી દાખલ કરતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, જામીન આપવામાં આવશે તો આરોપી ફરી ટ્રાયલમાં હાજર નહી રહે. અરજદારે અગાઉ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાની રજૂઆત કરી હતી અને તે અંગે મેડિકલ રિપોર્ટ મંગાવવામાં આવતા તે ફીટ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આમ, કોર્ટમાં પણ ખોટી હકીકત જણાવી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાભળ્યા બાદ અરજદારની અરજી રદ કરી હતી.