Gujarat

બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

By GS TEAM
5 Oct 20251 min read
બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના બગોદરામાં રહેતા એક બુટલેગર અને તેની આસપાસના મકાનમાં વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને રૂપિયા ૧૫ લાખનો દારૂ જપ્ત કરીને કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર પોલીસ દરોડાથી બચવા માટે દારૂનો જથ્થો અલગ અલગ મકાનોમાં છુપાવતો હતો.

બગોદરા પોલીસને બાતમી મળી હતી કે બગોદરામાં આવેલી હોટલ ફળીમાં રહેતો ચંદુ મકવાણા નામનો બુટલેગર અને તેનો પુત્ર અશ્વિન મકવાણા બહારથી મોટાપાયે દારૂ મંગાવીને પોલીસથી બચવા માટે તેના  ઘર અને આસપાસના વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનો જથ્થો છુપાવે છે.

જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર યુ બી જોગારાણા અને સ્ટાફે દરોડો પાડીને  તપાસ કરતા ચંદુ મકવાણાના ઘરમાંથી તેમજ નજીકના ગેરેજમાંથી કુલ ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ અને ૧૦૦૦ ટીન બિયરનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત ૧૫ લાખ રૂપિયા હતી.

આ અંગે પોલીસે ચંદુ મકવાણાની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. બુટલેગર આસપાસના લોકોને દારૂ છુપાવવા માટે નાણાં આપતો હતો. આ અંગે બગોદરા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધીને તપાસ કરી છે.