Get The App

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: મોગલધામ નજીક ઈકો કાર પલટી જતાં 1નું મોત, 6 ઇજાગ્રસ્ત 1 - image


Accident on Bagodara-Bavla Highway : બગોદરા-બાવળા નેશનલ હાઈવે પર આજે (ગુરૂવારે) વહેલી સવારે મોગલધામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચોટીલાથી દર્શન કરીને સાબરકાંઠા તરફ પરત ફરી રહેલા યાત્રિકોથી ભરેલી એક ઈકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો વાન પલટી મારીને રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને લગભગ 50 મીટર દૂર સુધી ફંગોળાઈ હતી. વહેલી સવારના સમયે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને આસપાસના વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ બગોદરા અને બાવળા 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી તમામને વધુ સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતાં બાવળા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનું કારણ જાણવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


Tags :