અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો
ધંધુકા-પાળીયાદ-રાણપુર જતા વાહનચાલકોને હાલાકી
અમદાવાદ-બગોદરા હાઇવે પર ભોગાવો નદીનો પુલ પર વાહનવ્યવહાર બંધ કરીને અન્ય બ્રીજ પર ડાયવર્ટ કરાયો
અમદાવાદ,સોમવાર
વડોદરા-પાદરા હાઇવે પર ગંભીરા બ્રીજ તુટી પડવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળુ જાગ્યુ છે. જે અનુંસંધાનમાં જોખમી બ્રીજ બંધ કરવાની સાથે સમારકામ પણ શરૂ કરાયું છે. ત્યારે અમદાવાદ-ભાવનગર હાઇવે પર વલભીપુર કેનાલ બ્રીજને બંધ કરવામાં આવતાની સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકોટ-અમદાવાદ હાઇવે પર બગોદરા નજીક આવેલો ભોગાવો નદીનો મેજર બ્રીજ તાત્કાલિક અસરથી બંધ કરીને ટ્રાફિકને નવા બ્રીજ પર ડાયવર્ટ કરાયો છે.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બગોદરા નજીકનો ભોગાવો બ્રીજ વર્ષોથી જર્જરીત હાલતમાં છે અને અન્ય બ્રીજનું કામ પણ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ગંભીરા બ્રીજની ઘટના બાદ બ્રીજ પર તપાસ કરવામાં આવી હતી અને રવિવારથી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે જર્જરીત બ્રીજને બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વાહનવ્યવહાર રાજકોટથી અમદાવાદ આવવાનો બ્રીજ પર ડાયવર્ટ કરાયો છે. તેમજ બ્રીજ રીપેર કરવાની કામગીરી આગામી ૩૧મી જુલાઇ સુધી ચાલશે.અમદાવાદ-ભાવનગર સ્ટેટ હાઇવે પર વલભીપુર કેનાલનો બ્રીજ જોખમી હોવાથી આગામી ૯૦ દિવસ સુધી બ્રીજ તમામ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જેના કારણે ફેદરાથી ધંધૂકા તરફ જતા કે આવવા માંગતા વાહનચાલકોને ધોલેરા થઇને ધંધૂકા જઇ શકાશે. આ ઉપરાંત, લીંબડીથી રાણપુર થઇને વટામણ જઇ શકાશે.