બેગલેસ ડે : પહેલી વખત હજાર બાળકો સ્કૂલબેગ વગર સ્કૂલે ગયા, 30 ટકા સ્કૂલોમાં અમલ ના થયો
Vadodara : રાજય સરકારના નિર્ણય બાદ આજે શનિવારના દિવસનો બેગલેસ ડે તરીકે અમલ કરવામાં આવ્યો હતો. વડોદરામાં સેંકડો સ્કૂલોમાં વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા હતા. ભણતરનો ભાર નહીં હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર આજે ખુશી જોવા મળી હતી.
જોકે પરિપત્રના અમલને લઈને વિસંગતતાઓ પણ જોવા મળી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 123 સ્કૂલોમાં બેગલેસ ડેના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. જ્ઞાન સાથે ગમ્મતના અભિગમ પર વિદ્યાર્થીઓને શિક્ષણ પણ અપાયું હતું.
તો બીજી તરફ શહેરની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાં બેગલેસ ડે નહોતો રખાયો. આ સ્કૂલોના વિદ્યાર્થીઓ રાબેતા મુજબ જ સ્કૂલ બેગ સાથે સ્કૂલોમાં પહોંચ્યા હતા.
ગુજરાત બોર્ડ સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાંથી 70 ટકા સ્કૂલોમાં બેગલેસ ડેની સૂચના અગાઉથી અપાઈ હોવાથી વિદ્યાર્થીઓ બેગ વગર સ્કૂલોમાં પહોંચ્યા હતા. હજારો વિદ્યાર્થીઓને બેગનું વજન ઉંચકવું ના પડ્યું હોય તેવું પહેલી વખત બન્યું હતું. જોકે સંખ્યાબંધ સ્કૂલોએ સરકારના પરિપત્રનો અમલ કરવાની દરકાર કરી નહોતી.
ખુદ ડીઈઓએ પણ આ વાત સ્વીકારી હતી. ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, શહેરની 30 ટકા જેટલી સ્કૂલોમાં આજે બેગલેસ ડે નહોતો રખાયો. કારણકે આ સ્કૂલો શનિવારે કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી તેની અવઢવમાં હતી. જોકે આવતા શનિવારથી 100 ટકા સ્કૂલોમાં બેગલેસ ડેનો અમલ થશે.
પરિપત્ર ગઈકાલે જ મળ્યો, બાળકોને સૂચના આપવાનો સમય ના રહ્યો
એક આચાર્યએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, સ્કૂલને શુક્રવારે સાંજે ડીઈઓ કચેરી તરફથી પરિપત્ર મળ્યો હતો અને ત્યાં સુધીમાં સ્કૂલ છુટી ગઈ હોવાથી વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હતા. જોકે શનિવારે અમારી સ્કૂલમાં ઈતર પ્રવૃત્તિના વર્ગો હોય છે જ. પરંતુ અમે બેગ વગર આવવાની સૂચના આપી શક્યા નહોતા.
વિદ્યાર્થીઓને માત્ર ડાયરી લઈને બોલાવ્યા, યોગા અને માસ પીટી કરાવી
આચાર્ય વિપુલ મહેતાએ કહ્યું હતું કે, અમે આજથી જ સરકારના નિર્ણયનો અમલ કર્યો છે. આજે અમે બાળકોને માત્ર સ્કૂલની ડાયરી જ લઈને આવવા માટે કહ્યું હતું.સ્કૂલમાં બાળકોને યોગા, સમૂહ કવાયત, સાચી જોડણી ઓળખવાની રમત જેવી પ્રવૃત્તિ કરાવી હતી.
સીબીએસઈ સ્કૂલોના બેગલેસ ડે અગાઉથી નક્કી છે
સીબીએસઈ સ્કૂલના આચાર્ય લીના નાયરે કહ્યું હતું કે, સીબીએસઈ સ્કૂલોને ગુજરાત સરકારનો પિરપત્ર લાગુ પડતો નથી. સીબીએસઈ સ્કૂલોમાં એમ પણ વર્ષમાં સાત દિવસ બેગલેસ ડે રાખવામાં આવે જ છે. જોકે તેમાં શનિવાર નથી હોતો. કારણકે ઘણી સીબીએસઈ સ્કૂલો શનિવારે રજા રાખતી હોય છે.
અભ્યાસ સીવાય બીજું પણ શીખવા મળશે
વિપુલ જોષી નામના વાલીએ કહ્યું હતું કે, મારી દીકરીની સ્કૂલમાં આજે બેગલેસ ડે હતો. સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકતા શીખવાડવામાં આવી હતી તો બીજી તરફ વિદ્યાર્થીઓને એક પ્રોજેકટ આપવામાં આવ્યો હતોજે તેમણે અડધો સ્કૂલમાં અને અડધો ઘરે પૂરો કરવાનો હતો. આ નિર્ણયથી બાળકો હળવાશ અનુભવી રહ્યા છે. તેમને અભ્યાસ સીવાય બીજુ પણ શીખવા મળશે.