BIG NEWS: ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે, આનંદદાયી પ્રવૃત્તિઓ કરાવાશે, રાજ્ય સરકારનો નિર્ણય
Bagless Day: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર અમલી થશે. જે અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. હાલ ચાલી રહેલા જુલાઈ મહિનાથી જ દર શનિવારે બેગલેસ ડે-આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના આદેશ અપાયા છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી (પ્રાથમિક વિભાગ) પ્રફુલ પાનસેરીયાએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ (ન્યુ એજ્યુકેશન પોલિસી) 2020 મુજબ બેગલેસ દિવસ માટેની અમલવારી ગુજરાત રાજ્યમાં હવે કરવામાં આવશે. આ નીતિ મુજબ અમલીકરણ રાજ્યમાં શરૂ કરાશે, જેથી ધીરે ધીરે નીતિનું રાજ્યમાં પાલન થાય.