Get The App

મેઘરાજાએ રસ્તાઓની હાલત કરી ખરાબ, ખેડા-કચ્છ અને વાવ થરાદમાં બંધ રસ્તાઓનું આ રહ્યું લિસ્ટ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
મેઘરાજાએ રસ્તાઓની હાલત કરી ખરાબ, ખેડા-કચ્છ અને વાવ થરાદમાં બંધ રસ્તાઓનું આ રહ્યું લિસ્ટ 1 - image


Heavy Rain in Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના સુઇગામ, થરાદ, વાવ, ખેડા, કચ્છ સહિતના જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, જેના કારણે શાળોમાં પણ રજા જાહેર કરાઇ છે. તો બીજી તરફ અનરાધાર વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઇ જતાં રસ્તા બંધ કરાયા છે અને વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે. જેમાં થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તા બંધ કરાયા છે, તો ખેડા જિલ્લાના પંચાયત હસ્તકના 15 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. 




ખેડા 15 માર્ગો બંધ

ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ અને પંચાયત હસ્તકના કેટલાક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ખેડા, માતર, ગળતેશ્વર અને ઠાસરાના નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના પંચાયત હસ્તકના કુલ 15 માર્ગો બંધ છે.


ધોળકા-સરખેજ હાઇવે અને ખેડા-ધોળકા રોડ બંધ

સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.  જેના કારણે ધોળકાથી સરખેજ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, ખેડા-ધોળકા રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


કચ્છ જિલ્લાના આ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી-રોહર રોડ  અને ભુજના તુગા જૂણા રોડ બંધ કરાયો છે. 

નેશનલ હાઇવે નંબર 927 બંધ

કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદના લીધે રાપર તાલુકામાં નેશનલ હાઇવે નંબર 927 સી (ચિત્રોડ-રાપર-બાલાસર) વાહનવ્યવહાર માટે બંધ છે. આ ઉપરાંત, GSRTCની કુલ 10 રૂટની બસો પણ બંધ કરવામાં આવી છે. વૈકલ્પિક રૂટ તરીકે રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મોવાણા-બાલાસર રોડનો ઉપયોગ કરી શકાય છે.

રાપરમાં 12.48 ઇંચ ખાબક્યો 

કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઇંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ત્યારબાદ આજે સવારના 4 કલાકમાં ફરી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શાળા-કૉલેજો અને અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અંજારનો ટપ્પર ડેમ 80 ટકા પાણીથી ભરાઈ જતાં પશુડા તથા આસપાસના ગામોને ઍલર્ટ કરાયા છે.

Tags :