For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિક્ષક દિને જન્મેલા સુરતના બાબુભાઇએ બોલીવુડને ટ્રીક ફોટોગ્રાફીના પાઠ ભણાવેલા

'ધ ઇનવિઝીબલ મેન' પરથી બનેલી હિન્દી ફિલ્મમાં સ્પેશીયલ ઇફેક્ટ આપી જાણીતા થયા બાદ અનેક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું

Updated: Sep 5th, 2020

સુરત તા-4 સપ્ટેમ્બર 2020 મંગળવાર

તા. 5મી સપ્ટેમ્બર 1918નાં રોજ સુરતમાં જન્મેલા બાબુભાઇ મિસ્ત્રી ક્લાસરૃમના નહી પણ બોલિવુડમાં ટ્રીક ફોટોગ્રાફીના શિક્ષક બન્યા હતાં. બોલિવુડમાં ટ્રીક ફોટોગ્રાફીની શોધ સુરતના ફોટોગ્રાફરની દેન છે. તેમણે બોલિવુડની ફિલ્મો અને સીરીયલ્સમાં આ ટ્રીકનો ખુબ યુઝ કર્યો છે.

હાલમાં કેમેરાએ જે પ્રગતિ કરી છે એ અકલ્પનીય છે. પણ જ્યારે ટેકનોલોજી ન હતી ત્યારે ફિલ્મોમાં સ્પેશ્યલ ઇફેક્ટ માટે ફોટોગ્રાફર નીત નવા પ્રયોગો કરતા. તેમાની ટ્રીક ફોટોગ્રાફી ખુબ પ્રચલિત હતી. તેમની શોધ સુરતના નામે છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા બાબુભાઇ મિસ્ત્રીએ આ ટેકનોલોજી પોતાની રીતે વિકસાવી હતી. ઇતિહાસકાર સંજય ચોક્સીએ કહ્યું કે, ૧૪ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતા બાબુભાઇ પારિવારીક જવાબદારી માટે મુંબઇમાં કૃષ્ણાટોન ફિલ્મ કંપનીમાં આર્ટ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. કાકા રંગીલદાસ સાથે શરૃઆતમાં ફિલ્મોનાં પોસ્ટર બનાવતા અને સેટ નિર્માણનાં કામમાં મદદ કરતા. બાદમાં ફોટોગ્રાફી શીખ્યા અને વિવિધ પ્રકારના પ્રયોગો કરીને ટ્રીક ફોટોગ્રાફીની કળા હસ્તગત કરી.

'પ્રકાશ પિક્ચર્સ'નાં નાનાભાઇ ભટ્ટે હોલિવુડની ફિલ્મ 'ધ ઇન વિઝિબલ મેન'પરથી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ અને તેની સ્પેશીયલ ઇફેક્ટની તમામ જવાબદારી ૧૮ વર્ષના બાબુભાઇને સોંપી હતી. બાબુભાઇના દિગ્દર્શન હેઠળ સંપુર્ણ કેમેરાવાળી પ્રથમ ફિલ્મ ૧૯૪૨ની 'મુકાબલા' હતી. એ પછી રામરાજ્ય, ભરત મિલાપ, વિષ્ણુપુરાણ જેથી ધાર્મિક સીરીયલો બનાવી અને તેમાં ટ્રીક ફોટોગ્રાફીનો ભરપુર ઉપયોગ કર્યો. તેમણે સંપુર્ણ રામાયણ, પારસમણી સહિત ૪૫ હિન્દી અને ૧૧ ગુજરાતી મળી ૫૬ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ઝી લક્સ સિને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ અને કોડક ટેકનિકલ એક્સેલન્સ એવોર્ડ પણ તેમને મળ્યા હતાં. બાબુભાઇએ તા.૨૦ ડિસેમ્બર, ૨૦૧૦માં મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા.

હાતિમતાઇની ચાદર બાબુભાઇએ ઉડાવી હતી

૧૯૯૦માં જીતેન્દ્ર અને સંગીતા બિલજાની અભિનિત હાતિમતાઇ ફિલ્મમાં ઉડતી ચાદરની ઇફેક્ટ બાબુભાઇની હતી. બાબુભાઇએ ખ્વાબ કી દુનિયા, અલાઉદ્દીન ઓર જાદુઇ ચિરાગ, અલીબાબા ઓર ચાલીસ ચોર, મિસ્ટર એક્સ, લવ ઇન ટોકિયો, મેરા નામ જોકર, નાગિન, ડ્રીમ ગર્લ, ધરમવીર, હાતિમતાઇ, વગેરે જેવી ૧૦૦થી વધુ ફિલ્મોમાં તેમજ રામાયણ, મહાભારત, શિવ મહાપુરાણ, કૃષ્ણા, વિશ્વામિત્ર જેવી ટીવી સીરીયલોમાં પણ સ્પેશીયલ ઇફેક્ટનો જાદુ પાથર્યો હતો.

ટ્રીક ફોટોગ્રાફી અને કાલા ધાગાવાળા બાબા

સ્ક્રીન પર અદ્રશ્ય વ્યક્તિની હાજરીનો અહેસાસ કરાવવા માટે તેમણે કાળા પડદાનું બેકગ્રાઉન્ડ અને આછા પ્રકાશમાં રોજીંદા જીવનમાં કામ આવતી વસ્તુઓને કાળા દોરાથી મદદથી ગતિ આપી. તેમના આ પ્રયોગથી તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં કાલા ધાગાવાળા બાબા તરીકે ઓળખાતા હતાં. હાલ ગ્રીન પડદા પાછળ કરામતોનો ધોધ છૂટે છે. 

Gujarat