Get The App

બાબરાના ઉદ્યોગપતિ, પૌત્ર અને પૌત્રવધૂનું વલ્લભીપુર નજીક ગોઝારા અકસ્માતમાં મોત

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
બાબરાના ઉદ્યોગપતિ,  પૌત્ર અને પૌત્રવધૂનું વલ્લભીપુર નજીક ગોઝારા અકસ્માતમાં મોત 1 - image


પુરઝડપે આવેલા ટ્રકચાલકે ટક્કર મારતા કારનો બુકડો : અમદાવાદ સ્થાયી થયેલા સગર્ભા પૌત્રવધૂનું ત્રણ દિવસ બાદ સીમંત હોવાથી બાબરા આવતા હતા : એક જ દિવસે ત્રણ અર્થી ઉઠતાં ભારે આક્રંદ

બાબરા, : અમરેલી જિલ્લાના મુળ મતિરાળા ગામના વતની અને બાબરાને કર્મભૂમિ બનાવી જિનિંગ-સ્પીનીંગ સહિત ઓઈલમિલના વ્યવસાયથી એક અદના ઉદ્યોગપતિ તેમજ સામાજિક આગેવાન તરીકે કડવા પાટીદાર સમાજના મોભી તરીકે ખ્યાતી પામેલા બોરસાણીયા પરિવારની કારને નડેલા ગોજારા અકસ્માતમાં મોભીનું ઘટનાસ્થળે મોત બાદ પૌત્ર અને સગર્ભા પૌત્રવધુનું ટુંકી સારવાર બાદ મોત થતાં પરિવારજનો પર વજ્રાઘાત થયો છે અને કડવા પાટીદાર સમાજ સહિત બાબરા-અમરેલી પંથકમાં શોક પ્રસરી જવા પામ્યો છે. વળી, કરૂણતા એ છે કે, તેઓ પૌત્રવધુના સીમંત પ્રસંગ માટે જ અમદાવાદથી બાબરા આવી રહ્યા હતા.

મળતી વિગત મુજબ, બાબરામાં દયારામ પાર્ક સોસાયટી ખાતે રહેતા ભુપતભાઈ રામજીભાઈ બોરસાણીયા (ઉં.વ. 80) તથા પૌત્ર જયભાઈ જીતુભાઈ બોરસાણીયા (ઉં.વ. 30) તથા સગર્ભા પૌત્રવધુ એકતાબેન જયભાઈ બોરસાણીયા (ઉં.વ. 28) ગઈકાલે તા. 30મીએ સાંજે અમદાવાદથી પોતાની  કારમાં બાબરા આવવા નીકળ્યા હતા. જેમાં પૌત્રવધુ એકતાબેનનો 4 દિવસ બાદ તા. 4ના રોજ સીમંત પ્રસંગ હોવાથી બાબરા આવતા હતા. પરંતુ તેઓ વલ્લભીપુરના કાનપુર ગામ નજીક પહોંચ્યા ત્યારે આઈસર ટ્રકના ડ્રાઈવરે કારને હડફેટે લેતા ઉદ્યોગપતિ ભુપતભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પૌત્ર જયભાઈ અને તથા પૌત્રવધુ એકતાબેનને ગંભીર ઈજા થવાથી તાબડતોબ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પૌત્ર જયભાઈનું પણ ગતરાતે મૃત્યું નીપજ્યું હતું. 

ગોઝારા અકસ્માતનો ભોગ બનેલા દાદા અને પૌત્રની અંતિમયાત્રા આજે સવારે એક સાથે તેમના નિવાસેથી નીકળતા પરિવારજનોના ભારે આક્રંદથી ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થવાની જીવન-મરણ વચ્ચે ઝઝુમતી સગર્ભા પૌત્રવધુ એકતાબેન (ઉં.વ. 28)એ પણ આજે બપોરે અંતિમ શ્વાસ લઈ લેતા સાસરીયા-પીયરીયા બન્ને પરિવાર પર વજ્રાઘાત થયો હતો અને કાળો કલ્પાંત મચ્યો હતો. બાદમાં આજે સાંજે પૌત્રવધુની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આજે એક જ પરિવારમાં એક જ દિવસે ત્રણ-ત્રણ અર્થી ઉઠતા બાબરા શહેર અને અમરેલી જિલ્લામાંથી વિવિધ સમાજ અને પાટીદાર સમાજ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા હતા.

Tags :