બાબરા નજીક ગમખ્વાર અકસ્માત: કન્ટેનર ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કન્ટેનર ટ્રકે એક બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇકની પાછળ બેઠેલાં આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બાબરાના મધુબેન મેટાલીયા (ઉંમર આશરે 55 વર્ષ) તેમના એક સ્વજન સાથે બાઇક પર સવાર થઈને નીલવડા ગામે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર ટ્રકના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલાં મધુબેન મેટાલીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે, સદનસીબે બાઇક ચાલકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાબરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે 108 એમ્બ્યુલન્સની મદદથી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા કન્ટેનર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.









