Gujarat

સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની ગ્રા.પં.માં સરેરાશ 70 ટકા જેટલું ઉંચું મતદાન

By GS TEAM
23 Jun 20252 mins read
સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની ગ્રા.પં.માં સરેરાશ 70 ટકા જેટલું ઉંચું મતદાન

વરસતા વરસાદ વચ્ચે પણ ગ્રામીણ મતદારો મત આપવા ઉમટયા

સૌથી વધુ મોરબી જિલ્લામાં સરેરાશ ૭૫ ટકા જ્યારે સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં સરેરાશ ૬૧ ટકા મતદાનઃ એકંદરે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન 

રાજકોટ: સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની ગ્રામ પંચાયતની આજે ચૂંટણી, પેટાચૂંટણીમાં મતદાન યોજાયું હતું. લોકશાહીના અવસરમાં મતરૂપી યોગદાન આપવા ગ્રામીણ મતદારો ઉમટી પડયા હતાં. તમામ જિલ્લામાં એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. આજે વરસતા વરસાદમાં પણ મત આપવા લોકોએ ઉત્સાહ દાખવ્યો હતો. વયોવૃધ્ધ, દિવ્યાંગ મતદારોએ પણ મત આપી પોતાની ફરજ બજાવી હતી. અનિચ્છનિય બનાવ ન બને તે માટે સર્વત્ર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની ૫૨૪ ગ્રામ પંચાયતોમાં સરેરાશ ૭૦ ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટ જિલ્લાની ૪૫  ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે સરેરાશ ૬૯.૩૮ તથા સભ્ય પદ માટે ૬૯.૩૮ ટકા મતદાન થયું હતું. જ્યારે જામનગર જિલ્લાની ૧૮૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૭૩.૧૭ ટકા જ્યારે સભ્ય પદ માટે ૭૫.૧૬ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. મોરબી જિલ્લાની ૨૭ ગ્રા.પં.ની ચૂંટણીમાં સરપંચપદ માટે ૭૩.૭૭ ટકા જ્યારે સભ્યપદ માટે ૭૭.૧૪ ટકા મતદાન થયું હતું.

જૂનાગઢ જિલ્લાની ૭૩ ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે સરેરાશ ૭૦.૭૦ ટકા જ્યારે સભ્ય પદ માટે ૭૧.૭૧ ટકા મતદાન થયું હતું. ગીર સોમનાથ જિલ્લાની ૨૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૭૩.૧૦ ટકા જ્યારે સભ્ય પદ માટે ૭૩.૩૦ ટકા મતદાન નોંધાયું છે. પોરબંદર જિલ્લાની ૧૫ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૬૦.૬૫ ટકા જ્યારે સભ્ય પદ માટે ૬૧.૭૨ ટકા સરેરાશ મતદાન થયું છે.

અમરેલી જિલ્લાની ૮૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૭૦.૮૮ ટકા જ્યારે સભ્ય પદ માટે ૭૧.૧૯ ટકા મતદાન થયું છે. જ્યારે દ્વારકાની ૬૯ ગ્રામ પંચાયતોમાં  સરપંચ પદ માટે ૭૩.૨૫ ટકા જ્યારે સભ્ય પદ માટે ૭૨.૭૧ ટકા સરેરાશ મતદાન થયું છે.

મોરબીના ડાયમંડનગર ગામે ઉમેદવારની પોલીસ સાથે રકઝક

મોરબી: મોરબી તાલુકાના ડાયમંડનગર ગામે ચૂંટણીના મતદાન સમયે પોલીસ સાથે ઉમેદવારની રકઝકનો બનાવ સામે આવ્યો હતો. ડાયમંડનગર ગામે બૂથ પાસે વોર્ડનાં સભ્યનો ઉમેદવાર બેઠો હતો જેને બહાર જવાનું કહેતા રકઝક થવા પામી હતી. પોલીસ અને ઉમેદવાર વચ્ચે થોડીવાર રકઝક થઇ હતી. જેથી થોડીવાર માટે મામલો તંગ બન્યો હતો. જો કે અધિકારીઓએ સ્થળ પર દોડી જઇને મામલો થાળે પાડયો હતો.